સુરતના 5 આશાસ્પદ યુવા ક્રિકેટરોની પસંદગી ગુજરાતની અંડર-19 ક્રિકેટ ટીમમાં થઈ છે.એક સાથે 5 ખેલાડી ગુજરાતની અંડર-19 ટીમમાં પસંદગી પામ્યા હોય તેવો આ પહેલો બનાવ છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ના ક્રિકેટ સેક્રેટરી ડો.નૈમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરતના આર્ય દેસાઈ (ઓપનિંગ બેટ્સમેન), ક્રિસ ગુપ્તા (ઓલરાઉન્ડર), યશ સોલંકી (વિકેટકીપર), સેન પટેલ (પેસ બોલર) અને હર્ષિલ પટેલ ( પેસ બોલર )ની જાહેરાત ગુજરાતની ક્રિકેટ ટીમમાં બી.સી.સી.આઈ. દ્વારા આયોજીત વિનુ માંકડ (અંડર 19) વન – ડે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ તારીખ 27 સપ્ટેમ્બર , 2021થી દિલ્હી ખાતે રમાશે. આ તમામ ખેલાડીઓ ચીફ સિલેકટર લલિત પટેલ, આદિત્ય પટેલ, રચિત કોન્ટ્રાકટર , બિલાલ સુરતી તથા હેડ કોચ પ્રતિક પટેલ અને કોચ હર્ષદ પટેલનાં દેખરેખ હેઠળ તાલીમ લીધી છે .સુત્રોના જણાવ્યા મુજબ,ગુજરાતની અંડર 19-ટીમના સુકાની તરીકે જાહેર થયેલા આર્ય દેસાઈ રાહુલ દ્રવિડ સાથે નેશનલ ક્રિકેટ એકેડમિમાં મુખ્ય કોચ તરીકે ફરજ બજાવનાર અપૂર્વ દેસાઈ નો પુત્ર છે. તે જોતા મોરના ઈંડાને ચિતરવા ન પડે તે ઉક્તિ સાચી ઠરી છે.
આર્ય દેસાઈને ગુજરાત ક્રિકેટનો આશાસ્પદ ખેલાડી માનવામાં આવે છે. આ પાંચેય ખેલાડીઓને એસ.ડી.સી.એ.ના પ્રમુખ હેમંત કોન્ટ્રાકટર, મેન્ટર કનૈયાભાઇ કોન્ટ્રાકટર, સિનીયર ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ, જુનિયર ઉપપ્રમુખ એસ. એ. રાવલ, મંત્રી હિતેશ પટેલ (ભરથાણા), ખજાનચી સી.એ. મયંક દેસાઈ , ક્રિકેટ સેક્રેટરી ડો . નૈમેષભાઇ દેસાઇ તેમજ મેનેજીંગ કમિટી સભ્યો અને ક્રિકેટ કમિટી સભ્યોએ અભિનંદન પાઠવ્યાં હતાં .