ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે આજે 1986ની બેચના આઈએએસ પંકજ કુમારે કાર્યભાર સંભાળ્યો હતો. જ્યારે રાજ્ય સરકારે ગૃહ વિભાગનો ચાર્જ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાને સોંપવામાં આવ્યો છે. પકંજકુમારે ગુજરાને વિકાસની દિશામાં વધુને વધુ આગળ લઈ જવા તેમજ કોરોના મહામારી સામે મક્કમતા પૂર્વક લડીને સૌનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વયનિવૃત્ત થતા મુખ્યસચિવ અનિલ મુકિમનો વિદાય સમારંભ પણ યોજાયો હતો. જેમને પંકજ કુમારે(PANKAJ KUMAR) નિવૃત્ત જીવન માટેની શુભેચ્છાઓ આપી પ્રગતિશીલ ગુજરાતના પ્રણેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનામાં વિશ્વાસ મૂકી મુખ્યસચિવ(CHIEF SECRETARY) તરીકેની અગત્યની જવાબદારી આપી છે તેને ખૂબજ નિષ્ઠાથી નિભાવશે અને તેમના વહીવટી અનુભવ થકી ગુજરાત વધુને વધુ પ્રગતિ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો અનિલ મુકિમે નવી જવાબદારી બદલ પંકજકુમારને શુભેચ્છા આપીને ઉપસ્થિત અધિકારી-કર્મચારીઓનો જે વ્યાપક સહયોગ મળ્યો એ બદલ સૌનો આભાર માન્યો હતો.
બિહારના પટનાના વતની પંકજ કુમાર ૧૯૮૬થી ભારતીય સનદી અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. તેઓએ આઈ.આઈ.ટી કાનપુરથી સિવિલ અન્જિનિયરિંગ ક્ષેત્રે બી.ટેકનો અભ્યાસ કર્યો છે. તેમણે રાજ્યના વિવિધ જિલ્લાઓમા કલેકટર તરીકે સેવાઓ આપી છે ઉપરાંત ગુજરાતમાં પૂર, વાવાઝોડુ, દુષ્કાળ અને કોરોનાના કપરાકાળમાં પણ મહત્વની જવાબદારીઓ ઉપાડીને અનેક જનહિતલક્ષી કાર્યો કર્યા છે. આ અગાઉ તેઓ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ઉમદા સેવાઓ આપીને અનેક જનહિતલક્ષી સેવાઓ ઓનલાઈન કાર્યરત કરી છે અને હાલ તેઓ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે સેવાઓ આપી રહ્યા છે.