ભારતના ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભાગોમાં આગામી ચાર દિવસો દરમિયાન વરસાદની ગતિવિધિ ઓછી થવાની સંભાવના છે. એમ ભારતીય હવામાન વિભાગે (આઇએમડી) બુધવારે જણાવ્યું હતું.જ્યારે, આ સમયગાળા દરમિયાન દેશના પૂર્વીય ભાગમાં વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, હાલમાં ચોમાસાની પ્રવૃતિ હિમાલયની તળેટીની નજીક છે. તે 26 ઑગસ્ટ સુધી ત્યાં રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસો દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારત અને પશ્ચિમ કિનારે વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની સંભાવના છે. 26 ઑગસ્ટ સુધી બંગાળની ખાડીથી ઉત્તર-પૂર્વ ભારતમાં મજબૂત દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમના પવન ચાલુ રહેવાની સંભાવના છે.
ત્યારબાદ, 27 ઑગસ્ટ સુધી પૂર્વોત્તર ભારત, ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પર મધ્યમથી ભારેથી અતિભારે વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેવાની અને ત્યારબાદ આ વિસ્તારમાં છૂટા છવાયા સ્થાને ભારે વરસાદ સાથે વરસાદની પ્રવૃતિમાં ઘટાડો થવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં 29 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ સાથે વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેવાની સંભાવના છે અને 27 ઑગસ્ટ સુધી બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં છૂટા છવાયા સ્થાને ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં વીજળી પડવાની સાથે વાવાઝોડાની આગાહી પણ કરી હતી. તામિલનાડુમાં આગામી પાંચ દિવસો દરમિયાન અને કેરળ અને માહેમાં 27-29 ઑગસ્ટ દરમિયાન ભારે વરસાદ સાથે વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહેવાની સંભાવના છે.