તાલીબાનો દ્વારા તેમના કબજાના વિસ્તારોમાં લક્ષ્ય બનાવીને કરવામાં આવતી હત્યાઓના અહેવાલો આજે વધ્યા હતા, જે સાથે એ ચિંતામાં ઓર ઉમેરો થયો હતો કે તાલીબાનો છેલ્લે જ્યારે સત્તામાં હતા ત્યારે જે દમનકારી શાસન હતું તેવું જ શાસન અફઘાનિસ્તાનમાં પરત ફરશે.નવા બની બેઠેલા શાસકો આવા અત્યાચારો ફરી કરશે એવા ભયથી હજારો લોકો કાબૂલ એરપોર્ટ પર અને સરહદી ક્રોસિંગો પર પહોંચી ગયા હતા જેઓ તાલીબાનોની આગેકૂચ પછી દેશ છોડીને ભાગી જવા માગતા હતા. અન્ય ઘણા લોકોએ શેરીઓમાં વિરોધ પ્રદર્શનો પણ યોજ્યા હતા જે વિરોધ પ્રદર્શનોને તાલીબાનોએ હિંસક રીતે દબાવી દીધા છે. તાલીબાન કહે છે કે તેઓ ૧૯૯૦માં હતા તેના કરતા વધુ મધ્યમમાર્ગી બન્યા છે અને તેમણે ૨૦ વર્ષમાં અમેરિકાની તરફેણ કરીને પોતાની સામે લડનાર લોકોને માફ કરી દેવાની વાત કરી હતી. તેમણે મસ્જિદોના ઇમામોને વિનંતી કરી હતી કે શુક્રવારના તેમના પ્રવચનોમાં તેઓ લોકોને એકતા જાળવવા અને દેશ છોડીને નહીં ભાગવાનો સંદેશ પાઠવે. જો કે તાલીબાનોની કહેણી અને કરણીમાં ફેર દેખાવા માંડ્યો છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા ભેગા કરવામાં આવેલા પુરાવાઓ સૂચવે છે કે ખાસ કરીને લઘુમતિ સમુદાયની વસ્તી વાળા વિસ્તારોમાં તાલીબાનોએ દમન શરૂ કરી દીધું છે. આ માનવ અધિકારવાદી જૂથ કહે છે કે તેના સંશોધકોએ ગઝની પ્રાંતમાં કેટલાક બનાવો આંખે જોનારા સાક્ષીઓ સાથે વાત કરીને માહિતી મેળવી છે કે તાલીબાનોએ ૪થી ૬ જુલાઇ દરમ્યાન અહીં હઝારા વંશના નવ પુરુષોની હત્યા કરી હતી. હઝારાઓ મોટે ભાગે શિયા પંથનું અનુસરણ કરે છે. તાલીબાનોએ એક જર્મન મીડિયા ગૃહ માટે કામ કરતા એક અફઘાન પત્રકારના કુટુંબના એક સભ્યની પણ હત્યા કરી હોવાના પણ અહેવાલ છે.
