મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં તિરંગાને સલામી આપી હતી. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના પ્રજાજનોને ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી ગુજરાતના વિકાસની ગૌરવગાથા જણાવતા કહ્યુ કે, ગુજરાતની હરીફાઇ હવે કોઇ રાજ્ય સાથે નહીં પરંતુ વિશ્વ સાથે છે પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં નાખેલા વિકાસના મજબૂત પાયા પર હવે વિશ્વકક્ષાના સ્થાપિત થઇ રહેલા પ્રોજેક્ટ્સ અને ગુજરાતની નવી ઉંચાઇ અને સિદ્ધિઓ જણાવી હતી. રૂપાણીએ ૭૫માં સ્વાતંત્રય પર્વ નિમિતે જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે, પીએમ નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા ૨.૦ યોજનાની જાહેરાત કરી છે તે અંતર્ગત ગુજરાતમાં પાંચ લાખ ગેસ કનેક્શન રાહત દરે આપવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યની બાવન નગરપાલિકાઓને દૈનિક પાણી પુરવઠા યોજના માટે ૭૮૦ કરોડની ફાળવણી કરાશે. યોજના દીઠ રૂ.૧૫ કરોડનો લાભ મોટી નગરપાલિકાઓને મળશે. રાજ્યની નગરપાલિકા જનહિતમાં કાર્યો કરવા પ્રેરાય તે માટે નગરપાલિકાઓને સ્ટાર રેન્કીંગ આપવામાં આવશે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના સહાય ધોરણમાં વધારો કરીને ખેડૂતને ગોડાઉન બનાવવા રૂ.૩૦ હજારના બદલે રૂ.૫૦ હજાર આપવામાં આવશે. રૂપાણીએ ગુજરાતમાં કોરાનાના સંક્રમણને કાબુમાં લેવાયેલા પગલા, તાઉતે વાવાઝોડામાં ખડેપગે રહીને અસરગ્રસ્ત લોકો-ખેડૂતોને તાત્કાલિક સહાય-સધિયારો, કિસાનોને પ્રગતિ માટે સહાય, મહિલાઓના ઉત્કર્ષ, દિવ્યાંગો, ગંગાસ્વરૂપા બહેનો, યુવાઓને રોજગારી તેમજ પાંચ વર્ષમાં સુશાસન, ઇમાનદારી અને સંવેદના પુર્વક સેવાકીય કામગીરી થકી કરેલી કામગીરીની તલસ્પર્શી માહિતી આપી હતી.
ગુંડાગીરી નાબુદી, ગૌ હત્યા નિવારણ, ભૂ-ડ્રગ્સ માફીયા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ કહી ગુજરાતમાં પ્રજાની શાંતિ-સુખાકારી અને સલામતિ માટે લેવાયેલા શ્રેણી બદ્ધ પગલાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્ય મંત્રી રૂપાણીએ ગુજરાત પોલીસને વધુ સજ્જ કરવા, ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુના ખોરી ડામવા ગુજરાત પોલીસને ૧૦,૦૦૦ બોડી વોર્ન કેમેરા અને ૧૫ ડ્રોન કેમેરા અર્પણ કર્યા હતા. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગીર સોમનાથ કેમેરાથી સજ્જ પોલીસ કેમેરાનું લાઇવ ડેમોસ્ટ્રેશન નિહાળ્યું હતુ. પોલીસમેન અને અધિકારીઓને કેમેરા અર્પણ કરવામાં આવ્યા હતા.