ચાતુર્માસ ચાલી રહ્યો છે ત્યારે વેસુ સ્થિત ઓમકારસૂરિજી આરાધના ભવનમાં પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે ‘પાપમુક્તિ ચડે કે ઋણમુક્તિ ચડે’ એ વિષય ઉપર પ્રવચન કર્યુ હતું. જેમાં ક્હ્યુ હતું કે, સદગુરુના સત્સંગથી પાપમુક્ત થવું સહેલું છે પણ જેમણે તમારા જીવનના પાપ છોડાવ્યા તે સદગુરુના ઋણમાંથી મુક્ત થવું અઘરું છે સજ્જન માણસ તેને કહેવાય કે જે પોતાના માથે કોઇનું પણ ઋણ ચડવા ન દે. ચડી ગયું હોય તો એ ઋણ માથેથી ઉતાર્યા વિના એને ઉંઘ પણ ન આવે, અત્યારે તો કોઇકની સહાય લેનારાઓના વિચોરામાં જ મસમોટું પરિવર્તન આવી ગયું છે. એ લોકો કહે છે ‘ભીયા ઉસકા દીયા તો નફા ક્યા કિયા’ આને તો દુર્જનતાની પરાકાષ્ઠા કહેવાય, ભવિષ્યમાં તમારી ઉપર વિશ્વાસ મૂકશે જ કોણ ? હવે તો સજ્જન કોને કહેવો તે જ મોટો પ્રશ્ર્ન ઉભો થયો છે. જેની સમાજમાં પ્રતિષ્ઠા સારી હોય તેવી વ્યકિતઓ પણ વર્તમાનમાં કાચીંડાની જેમ ગમે ત્યારે રંગ બદલી નાખતા હોય છે. ટોપીઓ ફેરવવી અને ગમે ત્યારે ઉઠામણા કરી નાંખનારાઓની જમાત હમણાં હમણાં વધતી જાય છે.
આ ઉપરાંત શનિવારે મહારાજ સાહેબે કહ્યું હતું કે,હાલમાં ચાતુર્માસમાં ચાલી રહ્યો છે. ત્યારે વેસુ સ્થિત ઓમકારસૂરિજી આરાધના ભવનમાં પદ્મદર્શનવિજયજી મહારાજ પ્રવચનમાં જણાવ્યું હતું કે, દીન-દુખીયાનાં આંસુ અને રોગીઓના રોગ જોઇ જેની આંખો સતત ભીંની રહેતી હોય તે આ વિશ્વનો શ્રેષ્ઠ માણસ છે. આજે માણસોના ટોળે ટોળાં સર્વત્ર જોવા મળે છે પણ માનવતા મરી પરવારી છે. માનવમાં માત્ર સંવેદનાની લાગણી હોવી જોઇએ. જ્યાં સંવેદના છે ત્યાં માનવતાના દીવડા ઝળહળી રહ્યાં છે. સંવેદનશૂન્યતા છે ત્યાં માત્ર સ્વાર્થનાં કુંડાળાં છે. તમારા આશ્રિતોની સર્વ ક્ષેત્રે કાળજી કરવી એ તમારું કર્તવ્ય છે. હાલ સાત લાખ જેટલા સાધુ-સંન્યાસીઓ છે. ત્યારે લોકશાહીના સમયમાં સંતો અને સંન્યાસીઓને કદ પ્રમાણે વેતરી નાંખવામાં આવ્યા છે. એમના માર્ગદર્શનને અભરાઇએ ચડાવી દેવામાં આવ્યા છે. જે દેશમાં સાધુ-સંતોએ હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. તે રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મ જોખમમાં મુકાયા છે.