કોરોનાના કપરાકાળમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા સામૂહિક કેન્દ્રમાં ફરજ બજાવતા, અનેક દર્દીઓની સેવા કરનારા સ્ટાફ નર્સ સ્વ.મુક્તિબેનનું કોરોનાના કારણે દુઃખદ નિધન થતા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા મૃતકના પરિવારને રૂ.૫૦ લાખનો ચેક અર્પણ કરાયો હતો. આજે સાંસદશ્રી અને પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે સ્વ.મુકિતબહેનના પરિવારજનોને ધનરાશિ અર્પણ કરી આર્થિક સધિયારો આપવાં સાથે સાંત્વના પાઠવવામાં આવી હતી. કોળી પટેલ પરિવારના ૩૨ વર્ષીય મુક્તિબહેન ગત તા.૨૧મી એપ્રિલ,૨૦૨૧ના રોજ કોરોના પોઝિટીવ આવતા નવી સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જયાં ટુંકી સારવાર બાદ તા.૨૪મી એપ્રિલે નિધન થયું હતું. ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે રાજયભરમાં નર્સિંગના ૧૦ કોરોના વોરિયર્સના મૃત્યુ થયા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ત્રણ મૃત્યુ થયા હતા. તમામ કોરોના વોરિયર્સના પરિવારજનોને રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા રૂા.૫૦ લાખના ચેકો અર્પણ કરવામાં આવ્યા છે. આજે સ્વ.મુક્તિબેન પટેલના પતિ નટવરલાલ તથા તેમની નવ વર્ષીય પુત્રી હાર્વી સહિતના પરિવારજનોને ચેક અર્પણ કરીને આર્થિક આધાર આપ્યો છે. રાજ્યભરના નર્સિંગ કર્મચારીઓએ ડોક્ટરો સાથે ખભેખભા મિલાવીને કોરોના દર્દીઓની સારવાર-સુશ્રુષા કરી હતી.
સાંસદશ્રી સી.આર.પાટીલના કાર્યાલય પર ચેક વિતરણ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોળવેલકર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, TNIના સેક્રેટરી કિરણ દોમડિયા, દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ દિનેશ અગ્રવાલ, નર્સીગના મુકેશભાઈ, સ્નેહલભાઈ પટેલ, વિમલભાઈ પટેલ સહિતના દક્ષિણ ગુજરાતના નર્સિંગ કાઉન્સિલના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.