ભૂતપૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષી દળોના ઘણા નેતાઓએ શુક્રવારે વિરોધ કરનારા ખેડૂતો પ્રત્યે એકતા વધારી અને અહીંના જંતર-મંતર પર તેમની કિસાન સંસદમાં જોડાયા હતા અને કહ્યું કે, લાગુ કરવામાં આવેલા ત્રણ ‘કાળા’ કૃષિ કાયદા પરત લેવા જોઈએ. 14 વિપક્ષી દળોના નેતાઓ સંસદ ભવન ખાતે મળ્યા અને પછી કિસાન સંસદમાં ભાગ લેવા માટે નજીકના જંતર-મંતર પહોંચ્યા હતા.ગાંધીએ જણાવ્યું હતું કે, આજે તમામ વિપક્ષી દળોએ ખેડૂતોને મળીને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે અને ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગ કરી છે.તેમણે કહ્યું કે, અમે દેશના તમામ ખેડૂતોને અમારો સંપૂર્ણ ટેકો આપવા માંગીએ છીએ. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સરકાર વિપક્ષને પેગાસસ જાસૂસી મુદ્દો સંસદમાં ઉઠાવવા દેતી નથી. તેમણે કહ્યું કે, અમે પેગાસસ (જાસૂસી) મુદ્દે ચર્ચા કરવા માંગીએ છીએ અને તેઓ એમ થવા દેતા નથી. રાહુલ ગાંધી રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડ઼ગે અને કૉંગ્રેસના અન્ય કેટલાક નેતાઓ ઉપરાંત અન્ય વિપક્ષી દળોના સાંસદ સભ્યો સાથે સંસદ ભવનની બેઠકમાં હાજર હતા.
શિવસેના નેતા સંજય રાઉત, આરજેડી નેતા મનોજ કુમાર ઝા, સીપીઆઈ નેતા બિનોય વિશ્વમ, આઈયુએમએલના નેતા મોહમ્મદ બશીર અને ડીએમકે નેતા તિરુચી શિવા જંતર-મંતર પર હાજર રહ્યા હતા.જયારે, આપ અને ટીએમસીના નેતાઓ કિસાન સંસદ સ્થળ પર હાજર નહોતા રહ્યા. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, વિપક્ષી નેતાઓની બેઠકે બપોરે 1 વાગ્યે જંતર-મંતર પર પોતાનો વિરોધ કરવાનો અને વિરોધ કરનારા ખેડૂતો સાથે બેસવાનો નિર્ણય કર્યો હતો. નેતાઓ બપોરે 12.30 વાગ્યે સંસદથી જંતર-મંતર પહોંચવા માટે નીકળ્યા હતા. કૉંગ્રેસ, ડીએમકે, ટીએમસી, એનસીપી, શિવસેના, આરજેડી, એસપી, સીપીઆઈ (એમ), આપ, સીપીઆઈ, આઈયુએમએલ, આરએસપી, એનસી અને એલજેડી સહિતના અનેક પક્ષોના નેતાઓએ સવારે વિપક્ષની બેઠકમાં હાજરી આપી હતી.