અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ યોજના અનુસાર આગળ વધી રહ્યું છે. તેમજ વર્ષ 2023ના અંત સુધીમાં ભક્તોને ભગવાનના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે. એમ રામ મંદિર ટ્રસ્ટના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું. પરંતુ, સંપૂર્ણ મંદિર સંકુલ વર્ષ 2025 સુધીમાં બનીને તૈયાર થઈ જશે. ભવ્ય પ્રોજેક્ટની વિગતો શેર તેઓએ કહ્યું કે, મુખ્ય મંદિર ત્રણ માળનું હશે અને તેમાં પાંચ ‘મંડપ’ હશે. તેઓએ જણાવ્યું કે, મંદિરની લંબાઈ 360 ફૂટ, પહોળાઈ 235 ફૂટ અને દરેક માળની ઊંચાઈ 20 ફૂટ હશે. મંદિરનું નિર્માણ કાર્ય યોજના અનુસાર આગળ વધી રહ્યું છે અને અંદાજ છે કે, 2023ના અંત સુધીમાં ભક્તો ભગવાન રામના દર્શનની કરવાની તક મેળવી શકશે. મંદિરનું નિર્માણ કાર્ય રાજકીય મહત્વ ધરાવે છે. કારણ કે, આગામી લોકસભાની ચૂંટણી વર્ષ 2024ના પહેલા ભાગમાં થવાની છે. જો મંદિરનું નિર્માણ કાર્ય યોજના મુજબ ચાલે છે તો શાસક ભાજપને ચૂંટણી પ્રચાર માટે એક મુદ્દો મળી જશે.
સૂત્રોએ ઉમેર્યું કે, મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર 160 સ્તંભ, પ્રથમ માળે 132 સ્તંભ અને બીજા માળે 74 સ્તંભ હશે. જ્યારે, ગર્ભગૃહની ટોચ ગ્રાઉન્ડ ફ્લોરથી 161 ફૂટ પર હશે અને તેનું નિર્માણ રાજસ્થાનના પથ્થર અને આરસપહાણથી કરવામાં આવશે. છેલ્લા ત્રણ દાયકાઓમાં થયેલા ફેરફારો અને ભક્તોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને મંદિરની ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સુપ્રીમ કૉર્ટના ચુકાદાના કારણે મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ફેબ્રુઆરી, 2020ના રોજ મંદિરના નિર્માણ અને સંચાલન માટે લોકસભામાં શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચનાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીના પૂર્વ અગ્ર સચિવ નૃપેન્દ્ર મિશ્રા બાંધકામ સમિતિના અધ્યક્ષ છે. ગયા વર્ષે મોદી દ્વારા શિલાન્યાસ બાદ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું.