સુરત શહેરે 1992 પછી વિકાસની જે યાત્રા શરૂ કરી છે તે આજની તારીખે પણ વણથંભી રહી છે. સુરતનો વિકાસ જેટલી ઝડપથી થઇ રહ્યો છે તેની સાબિતી એ જ છે કે, વિશ્વના સૌથી વધુ વિકસી રહેલા શહેરમાં સુરતની પણ ગણતરી કરવામાં આવે છે. સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ માટે ઉત્તમ હોવાના અનેક કારણ છે અને તેમાં સૌથી મોટું કારણ રાજ્ય સરકારનો બાંધકામ ક્ષેત્ર સાથેનો સુચારૂ અભિગમ છે. નોટબંધી અને ત્યાર પછી જીએસટીના કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રની ગતિ દેશના અન્ય રાજ્યોની જેમ ચોક્કસ ધીમી પડી હતી પરંતુ તેનો અર્થ એ નથી કે તેમાં ઉજળી તકો નથી. તાજેતરમાં જ રાજ્ય સરકારે સુરત શહેરનો નવો ડીપી 2035 મંજૂર કર્યો છે જેના કારણે આશરે 850 હેક્ટિયેર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપ્લબ્ધ થશે. આ ઉપરાંત સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના પાયા નંખાઇ ગયા છે. તેનાથી સૌથી મોટો ફાયદો રોકાણકારોને આવકારવામાં મળશે. હાલમાં સુરતમાં બીઆરટીએસ અને સીટી બસ જેવી માસ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ઉપલબ્ધ છે તેનાથી પણ અનેક પ્રકારના ફાયદા મળી શકે તેમ છે.
કારણ કે, કોઇપણ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો તેમાં રોડ રસ્તા, ગટર અને લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે માસ ટ્રાન્પોર્ટને પણ મહત્વ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકી એક અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. તેમાં પણ સુરત આ બંને શહેરથી સરખા અંતરે જ આવેલું છે. એટલે સુરત પણ અમદાવાદ અને મુંબઇ જેટલી જ માસ ટ્રાન્સપોર્ટની મહત્વની સુવિધા ધરાવતું શહેર છે. હવે વાત કરીએ વસ્તીની તો તાજેતરમાં જે આંકડા બહાર આવ્યા છે તે અનુસાર સુરત શહેરની વસ્તી આશરે 66 લાખની ઉપર થઇ ગઇ છે આમ સુરતની વસ્તીમાં અગાઉ થયેલી ગણતરીની સરખામણીમાં 14 લાખ જેટલા નવા લોકો ઉમેરાયા છે. આ સત્તાવાર આંકડા જ દર્શાવે છે કે, સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કેટલી ઉજળી તકો રહેલી છે.
ગુજરાતના અન્ય જિલ્લાઓ અને દેશના અન્ય રાજ્યોમાંથી લોકોનું માઇગ્રેશન સુરત તરફ થઇ રહ્યું છે. એટલે આગામી દિવસોમાં સુરતમાં મકાનોની મોટી માગ ઉભી થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. સુરત શહેરમાં ડાયમંડ બુર્સ શરૂ થઇ જાય તો હીરા ઉદ્યોગકારો પણ સુરત તરફ આકર્ષાઇ તેમ છે અને તેમનું પણ મોટુ રોકાણ રિયલ એસ્ટેટ ક્ષેત્રે આવી શકે તેમ છે. માત્ર 15 વર્ષના ટૂંકાગાળામાં જે રીતે સહરાદરવાજાથી સરોલી, મોટાવરાછાથી ઉત્રાણ, અડાજણથી પાલ અને પાલનપુર તેમજ સીટીલાઇટરોડથી અલથાણ અને વેસુ સુધી જે વિકાસ થયો છે તે જ દર્શાવે છે કે સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર હરણફાળ ભરી રહ્યું છે. સુરતમાં જે રીતે રસ્તાઓ બન્યા છે. જુદા જુદા ફ્લાય ઓવર્સ બની રહ્યાં છે અને કેટલાક હજી પ્લાનમાં છે તે જોતા જ આ શહેરની હરણફાળ નક્કી જ છે અને પ્રોપ્રર્ટીમાં ચોક્કસ જ મોટુ રોકાણ આવે અને રોકાણકાર માટે પણ આ રોકાણ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય તેનું રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા તજજ્ઞો માની રહ્યાં છે.




