કોરોના મહામારીનો સામનો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્પાપાર, ધંધા, વ્યવસાય કે અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલા લોકોને રસીકરણના છત્રમાં આવરી લઈ આરોગ્ય સુરક્ષા કવચ આપવા માટે આજરોજ રવિવારના દિવસે સુરત મહાનગરપાલિકા અને જિલ્લામાં ખાસ વેક્સિનેશન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેક્ષટાઈલ, વાણિજ્યિક સંસ્થાઓ, જીમ, કોચિંગ સેન્ટર્સ સાથે સંકળાયેલ લોકોએ મોટી સંખ્યામાં વેક્સિન લીધી હતી. શહેરના અલથાણ વિસ્તારના અલથાણ સ્વીમીંગપુલ અને યુથ એમ્પાવરમેન્ટ સેન્ટર ખાતે યોજાયેલા વેક્સિનેશન કેમ્પમાં ૨૯૭ લોકો વેક્સીન લઈને સુરક્ષિત બન્યા છે.વેક્સિન લેવા આવનાર અમિતભાઈ લાખાણીએ જણાવ્યું કે, ‘‘હું લુમ્સના વેપાર સાથે સંકળાયેલો છું. રાજય સરકાર દ્વારા અમારા વેપારીઓ માટે રવિવારે ખાસ વેક્સિનેશન ડ્રાઈવ યોજી છે જેના કારણે આજે સરળતાથી રસી મુકાવી શકયો છું. ચાલુ દિવસોમાં રજા ન મળતી હોવાથી રવિવારના રજાનો દિવસ હોવાથી મને રસી મળી છે જે બદલ રાજય સરકાર તથા મહાનરગપાલિકાનો આભાર માનું છું.’’ આ અવસરે બી.આર.સી.પ્રભુનગર ઉધનામાં રહેતા સુભાષ વિશ્વકર્માએ જણાવ્યું કે, ‘‘હું ફર્નીચરના વ્યવસાય સાથે સંકળાયેલો છું. અઠવાડિયાના રવિવાર સિવાયના દિવસોમાં કામ શરૂ હોવાના કારણે રજા મળતી નથી.
પરંતુ રાજ્ય સરકારે અમારા જેવા કામદારો માટેના ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું છે જે બદલ તેમનો આભાર વ્યકત કરૂ છું.’’ ટેક્સટાઈલ માર્કેટમાં વેપાર સાથે સંકળાયેલા શ્રીધર્મેશભાઈ એમ.શર્માએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા બાદ જણાવ્યું કે, ‘વેક્સીન માટે રવિવારના દિવસે પાલિકા દ્વારા ધણી સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અહી સેન્ટર પર ટાઇમ સિસ્ટમ રાખવાથી લોકોના સમયની પણ બચત થાય છે. લોકો વધુમાં વધુ વેક્સિન લઈને સુરક્ષિત બને તેવો અનુરોધ શ્રી શર્માએ કર્યો હતો.ઉધનામાં રહેતા ૬૮ વર્ષીય સુશીલાબેન દેગડાવાલાએ જણાવ્યું કે, ‘ઘૂંટણ અને કમરમાં દુખાવો થતો હોવાથી હું સેન્ટરના પહેલા માળે દાદરા ચઢીને જઈ શકું તેમ ન હતું. પરંતુ સેન્ટર પરના ડોક્ટરોએ નીચે પાર્કિંગમાં આવીને જ મને વેક્સીન આપી. હું ડોકટરોનો અને સરકારની આ સેવા માટે આભાર વ્યકત કરૂ છું.’ વેક્સીનનો બીજો ડોઝ લેનાર ૩૧ વર્ષીય ફાર્માસીસ્ટ નીતુબેન પટેલ જણાવે છે કે, ‘વેપાર સાથે સંલગ્ન લોકો માટે રવિવારે વેક્સિનેશન કેમ્પ હોવાથી ધંધો અને રોજગાર પણ બગડતો નથી. તેમજ સેન્ટર ઉપર વેક્સીન સહેલાઈથી ઉપલબ્ધ થઇ જાય છે.’વેક્સિનેશન કેમ્પનાં કાર્ય સાથે સંકળાયેલા શ્રી વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું કે, રવિવારે રાજય સરકાર દ્વારા વેપારીઓ માટે ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યુ તે સરાહનીય છે.
જેમાં શહેરના ટેક્સટાઈલ માર્કેટ સાથે જોડાયેલ વેપારીઓ, મજદૂરો, પાન-ગલ્લા અને કરિયાણા કે પંક્ચરની દુકાનનાં માલિકોએ વેક્સીન લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેપાર ધંધો કરનારા અને દુકાનદારોને 31મી જુલાઇ સુધીમાં ફરજિયાત વેક્સિન મૂકાવી દેવાની સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે પરંતુ અપૂરતા વેક્સિનના સ્ટોકના કારણે વેક્સિનેશનની સંખ્યામાં ઘટાડો થયો છે જેના કારણે સુરત મહાનગર પાલિકા વેપાર અને ધંધા સાથે સંકળાયેલા લોકો માટે ખાસ વેક્સિનેશન કેમ્પ ચલાવી રહી છે અને લોકો પણ તેનો મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યાં છે આગામી દિવસોમાં પણ આ પ્રકારના વેપારીઓ માટેના ખાસ વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવે તેવું આયોજન સુરત મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે જેના કારણે ટારગેટ પૂરો કરી શકાય. હાલ સુરતમાં અઠવાડિયામાં પાંચ દિવસ સામાન્ય લોકોને વેક્સિન મૂકવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.




