મુંબઇમાં ભારે વરસાદ, એરપોર્ટના રનવે પણ પાણી ભરાયાં

ગુરૂવારે રાતથી જ મુંબઇ(MUMBAI)ને વરસાદે રીતસરનું ઘમરોળી નાંખ્યું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે, નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમાન પાણી ભરાયાં છે. ગુરુવારે રાતથી શરૂ થયેલો વરસાદ(RAIN) સમગ્ર દિવસ દરમિયાન પણ યથાવત રહેવા પામ્યો છે. ઓફિસ જવા માટે પણ લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસું શરૂ થયું ત્યાર પછી બીજી વખત વરસાદે આવી ધમાકેદાર ઇનિંગ રમી છે. આજે દિવસ દરમિયાન પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મુંબઇના પરા વિસ્તારની વાત કરીએ તો વડાલા, સાયણ અને ગાંધી માર્કેટ વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. જુદા જુદા માર્ગો પાણીમાં ગરકાવ થઇ જતાં બૃહદ મુંબઇ નગર નિગમની બસોના રૂટ પણ બદલવા પડ્યાં છે. તો હાર્બર લાઇન પર દોડતી મુંબઇની જીવાદોરી સમાન લોકલ ટ્રેન પર પણ માઠી અસર પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે મુંબઇના આંતર રાષ્ટ્રીય વિમાની મથક પર પણ પાણીનો ભરાવો થઇ ગયો છે.

જો કે, હજી સુધી પાણી ભરાવાના કારણે વિમાનોની અવરજવર પર કોઇ અસર પહોંચી નથી. જે સારી બાબત ગણી શકાય તેમ છે. મુંબઇમાં તો હવામાન વિભાગ ભારે વરસાદ પડવાની શક્યતાને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું જ છે પરંતુ મુંબઇ(MUMBAI)ની નજીક આવેલા થાણે અને રાયગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ(RAIN) પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સેન્ટ્રલ રેલવેના સત્તાવાર સૂત્રોએ સ્થાનિક મીડિયાને આપેલી માહિતી અનુસાર રેલવે ટ્રેક પર પાણીનો ભરાવો થઇ જવાના કારણે કુર્લા અને વિદ્યાવિહાર વચ્ચે દોડતી લોકલ ટ્રેન તેના નિર્ધારિત સમયથી 20 થી 25 મિનિટ મોડી દોડી રહી છે. સ્લોલાઇન ટ્રેનને ફાસ્ટ લાઇન પર ડાઇવર્ટ કરી દેવામાં આવી છે અને હાર્બર લાઇન પર પણ લોકલ ટ્રેન તેના નિયત સમયથી મોડી દોડી રહી છે જો કે, ટ્રાન્સ હાર્બર લાઇન પર આવી કોઇ સમસ્યા શુક્રવારે બપોર સુધી જોવા મળી ન હતી. મુંબઇ(MUMBAI)માં 1 જૂને ચોમાસું બેઠું હતુ અને ત્યારથી લઇને અત્યાર સુધીમાં મુંબઇમાં 1300 મીમી વરસાદ નોંધાઇ ચૂક્યો છે જે સરેરાશ વરસાદ કરતા 48 ટકા વધારે છે. વિતેલા એક સપ્તાહમાં જ મુંબઇમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જે સામાન્ય વરસાદ કરતાં 77 ટકા વધારે છે.

ભારે વરસાદના પગલે મુંબઇ મહાનગર પાલિકા દ્વારા જે વિસ્તારમાં પાણી ભરાયાં છે તેવા વિસ્તારમાં લોકોને નહીં જવા માટે અપીલ પણ કરવામાં આવી છે. તો બીજી તરફ મુંબઇની સાથે સાથે મહારાષ્ટ્રના પડોશી રાજ્ય ગુજરાતમાં પણ આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, આજે વરસી રહેલા વરસાદના કારણે મુંબઇ અને ગુજરાત વચ્ચેના રેલ વ્યવહાર પર કોઇ ખાસ અસર પડી નથી. ગુરુવારે નોંધાયેલા વરસાદ(RAIN)ના આંકડા પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બાબરામાં 4 ઇંચ અને મધ્યગુજરાતના છોટા ઉદેપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે ગુજરાતના કુલ 77 તાલુકામાં વરસાદે તેની હાજરી પૂરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *