વિદેશને પણ ટક્કર મારે તેવું ગાંધીનગરનું રેલવે સ્ટેશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.16મી જુલાઈના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પુનઃ નિર્મિત ”ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન”ના લોકાર્પણની સાથે ગુજરાતને અનેકવિધ વિકાસ પ્રોજેકટનું પણ લોકાર્પણ કરશે . વડાપ્રધાન મોદી 16મી જુલાઈએ બપોરે ૪ વાગ્યે ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલ્વે સ્ટેશન સહીત આઠ જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હીથી ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. જેમાં ગાંધીનગરના નવીનિકરણ થયેલા રેલ્વે મથક નજીક 790 કરોડના ખર્ચે નિર્માણ પામેલી ફાઈવ સ્ટાર હોટેલનું પણ લોકાર્પણ કરશે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા તે વખતે ”મહાત્મા મંદિર” ખાતે નિયમિત રીતે યોજાતી દ્વિવાર્ષિક ”વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ” બાદ તો આ સ્થળનું આકર્ષણ સૌના માટે અનેકગણું વધી ગયું છે. આ સ્થળ વિશ્વના અનેકાનેક દેશોના પ્રમુખો, વડાપ્રધાનો, સાંસદો, રાજદૂતો, ઉદ્યોગ સાહસિકો, વિજ્ઞાનીઓ અને શિક્ષણવિદો માટે મુખ્ય યજમાન સ્થળ બની ગયું છે.

મહાત્મા મંદિર, મેટ્રો રેલ, અમદાવાદ-ગાંધીનગરને જોડતા છ-માર્ગીય ધોરીમાર્ગ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, ગિફ્ટ-સીટી સહિતના સંખ્યાબંધ અત્યાધુનિક પ્રકલ્પોની માફક ”મહાત્મા મંદિર”ની નજદીકમાં જ અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ”ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન”માં 3 પ્લેટફોર્મ્સનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. દેશમાં વૈશ્વિક કક્ષાના રેલવે-સ્ટેશનની નવી માર્ગદર્શિકા અનુસાર નિર્માણ પામેલા આ રેલવે સ્ટેશન ખાતે 3 પ્લેટફોર્મ પૈકી એક વન -એન્ડ પ્લેટફોર્મ, જયારે અન્ય આઇલેન્ડ પ્લેફોર્મ છે. આ સ્ટેશન ખાતે 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રીયન (રાહદારી) સબ-વે છે, જે પ્લેટફોર્મ્સને જોડે છે. આ ઉપરાંત, અલગ અલગ સ્થળે આશરે 300 વ્યક્તિઓ માટેનું પ્રતીક્ષા સ્થળ, સેન્ટ્રલી એર-કન્ડીશંડ મલ્ટિપર્પસ હોલ, બેબી ફીડિંગ રૂમ, પ્રાર્થના ખંડ તથા પ્રાથમિક સારવારનો ખંડ, ઑડિયો-વિડીયો, LED સ્ક્રીન સાથે આર્ટ ગેલેરી માટેનો ડિસ્પ્લે એરિયા તથા 105 મીટર લાબું કોલમ વગરનું એલ્યુમિનમની છત ધરાવતું સ્ટેશન છે. આ સ્ટેશન દિવ્યાંગોને 100% સાનુકૂળ છે.

”ગરુડ” (ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવેલપમેન્ટ કો.લિ.), ગુજરાત સરકારની 74% અને રેલવે મંત્રાલયની 24%ની ભાગીદારીથી આ કેપિટલ રેલવે સ્ટેશનનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી કન્વેનશન સેન્ટર કોમ્પ્લેક્સ”થી અત્યંત નજીકમાં અને અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર 20 મિનિટના અંતરે મહાત્મા મંદિર ખાતે બિઝનેસ સમિટ માટે આવતા મહાનુભાવો, પ્રતિનિધિઓ માટે અથવા આ સ્થળે યોજાતી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની અનેકવિધ કોન્ફરન્સને ધ્યાને રાખીને આ સમિટ-સેમિનાર-કોન્ફ્રન્સમાં સામેલ થનારા ડેલિગેટ્સની સુવિધા માટે અત્યાધુનિક પંચતારક હોટલનું આ રેલવે સ્ટેશનની પાસે 7400 ચો.મીટરમાં અંદાજિત રૂ.790 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. 318 રૂમ ધરાવતી આ હોટલમાં રહેવાની બેજોડ વ્યવસ્થા છે; જે ”મહાત્મા મંદિર” ખાતે આવનારા વિવિધ ડેલિગેટ્સની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સક્ષમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *