બંગાળના અખાત પરથી સરકીને ગુજરાત તરફ આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં હવે આગામી 5 દિવસ દરમ્યાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 40 લાખ હેકટરમાં ખરીફ મોસમનું વાવેતર કરી ચૂકેલા ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યાં હતા.આજે દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 72 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં ખાસ કરીને રાજકોટના ધોરાજીમાં સાડા 6 ઈંચ વરસાદથી ખેડૂતોમાં ખુશાલી વ્યાપી ગઈ હતી.
અમરેલીના લીલીયામાં ગુંદરણ ગામે વીજળી પડવાથી વિમળાબેન ચુડાસમાનું મૃત્યુ થયુ હતું. જુનાગઢના માળિયામાં બે ઈંચ , માણાવદરમાં પોણા બે ઈંચ , ગીર સોમનાથના કોડિનારમાં 1.2 ઈંચ , બનાસકાંઠાના અણીરગઢમાં સવા ઈંચ , ભાવનગરના વલ્લભીપુર અને મહુવામાં 1 ઈંચ , તાલાલામાં 19 મીમી , ઉનામાં 18 મીમી , બનાસકાંઠાના દાંતામાં 17 મીમી વરસાદ થયો હતો. 13 તાલુકાઓમાં સાડા 6ણ ઈંચથી એક ઈંચ જેટલો વરસાદ થયો હતો. આગામી 5 દિવસ દરમ્યાન રાજયમાં દક્ષિણ ગુજરાત, મધ્ય – પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આ રીતે ચોમાસનો બીજો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થઈ રહયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે છેલ્લા 24 કલાકમાં રાજયમાં 31 તાલુકાઓમા વરસાદ થયો છે.જેમાં વલસાડના પારડીમાં 2.4 ઈંચ , અમરેલીમાં સવા બે ઈંચ , વાપીમાં 1.8 ઈંચ , ઉમરગામમાં 1.5 ઈંચ , અમરેલીના લીલાયામાં સવા ઈંચ , સાવરકુંડલામાં સવા ઈંચ , ચોટીલામાં 1 ઈંચ , દુનાગઢના માગરોળમાં 12 મીમી વરસાદ થયો હતો. ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં રાજયમાં સરેરાશ 14.84 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 12.62 ટકા , ઉત્તર ગુજરાતમાં 12.91 ટકા , મધ્ય – પૂર્વ ગુજરાતમાં 15.15 ટકા , સૌરાષ્ટ્રમાં 12.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 16.61 ટકા વરસાદ થયો છે.