ગઈકાલે વિસાવદરની ઘટનામાં આપના મહેશ સવાણી અને ઈશુદાન ગઢવી પર થયેલા હુમલાની ઘટના બાદ ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. અમદાવાદમાં વિવિધ સમારંભો દરમ્યાન આજે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભૂતકાળમાં જે લોકોએ અમારા નેતા પર જૂતા ફેંકયા હતા, આજે તેમના પર પડી રહયાં છે . અમદાવાદમાં 152 કરોડના વિકાસના પ્રોજેકટના લોકાર્પણ કરવાના સમારંભમાં પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જે ઘટના બની છે તેનું મને પણ દુ:ખ છે. જો કે ભૂતકાળમાં અમારા નેતા પર પણ આ જ લોકોએ જૂતા ફેંકયા હતા.એટલુ જ નહી સોશિયલ મીડિયા પર મેસેજ પણ મૂકયા હતા. હવે તેઓની સામે પણ આવુ જ થઈ રહ્યું છે એટલે તેમને દુ:ખ થાય તે સ્વાભાવિક છે.
પટેલે વધુમાં કહ્યું હતું કે મને મીડિયા દ્વારા જ જાણકારી મળી રહી છે કે અગાઉ આપના અગ્રણીઓ જયારે બે દિવસ પહેલા સોમનાથ મંદિરે દર્શન માટે ગયા હતા તે વખતે ભ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા તેમનો વિરોધ કરાયો હતો. જો કે તે પછી એક નેતાઓ દિલગીરી વ્યકત્ત કરી લીધી હતી. તે પછી આ જ નેતાઓ જયારે લેરિયા પાસેથી પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે પણ ભ્રહ્મ સમાજના કાર્યકરોએ વાંધો લીધો હતો. જેના કારણે ઘર્ષણ થયુ હતું. આપના જ એક નેતાઓ ભૂતકાળમાં ભ્રહ્મ સમાજ સામે વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેના કારણે આ ઘટના બની હતી. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે રેલી કે વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાનો હું વિરોધ કરૂ છું. ભૂતકાળમાં અમારી સામે પણ કાળા વાવટા કે પ્રદર્શનો થયા છે. એટલું જ નહીં સભા પણ રદ કરવી પડી છે. જો કે લોકશાહી પદ્ધતિથી આવા વિચારો રજૂ થાય તો તેને કરવા દેવા જોઈએ.