કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી શનિવારે 51 વર્ષના થઈ ગયા છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ તેમના જન્મદિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવી હતી. રાહુલ ગાંધીએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉજવણી નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. રાહુલ ગાંધીનો જન્મ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પરિવારમાં 19 જૂન, 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. દિલ્હી કૉંગ્રેસે આ દિવસને ‘સેવા દિવસ’ તરીકે ઉજવણી કરી હતી અને રાષ્ટ્રીય પાટનગરમાં ગરીબોમાં વિનામૂલ્યે ફેસ માસ્ક, મેડિસિન કીટ અને ભોજનનું વિતરણ કર્યું હતું. કૉંગ્રેસના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઈન્ડિયા (એનએસયુઆઈ)એ આ નિમિત્તે નિ:શુલ્ક રસીકરણ શિબિરનું આયોજન કર્યું હતું, જ્યારે યુથ કૉંગ્રેસે દિલ્હીમાં જરૂરીયાતમંદોને મફત રેશનનું વિતરણ કર્યું હતુ. રાજ્યની કેટલીક કૉંગ્રેસ સમિતિઓએ ગરીબ અને જરૂરીયાતમંદોને વિના મૂલ્યે રાશન અને અન્ય જરૂરી વસ્તુઓનું વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. કૉંગ્રેસે શુભેચ્છા પાઠવતા ટ્વિટર પર કહ્યું કે, અમે રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર સ્વાસ્થ્ય અને ખુશીની કામના કરીએ છીએ. પાર્ટીએ કહ્યું કે, કોરોનાની બીજી લહેર અને લોકોની અવિશ્વસનીય મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ગાંધીએ પોતાનો જન્મદિવસની ઉજવણી નહીં કરવાનું નક્કી કર્યું હતું. તેના બદલે તેમણે કૉંગ્રેસ કાર્યકરોને ભારતભરમાં રાહત કાર્ય ચાલુ રાખવા વિનંતી કરી હતી.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ટ્વિટર પર વાયનાડ સાંસદને તેમના જન્મદિવસ પર સારા સ્વાસ્થ્ય અને ખુશીઓ અંગે શુભેચ્છા પાઠવી હતી. કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ ટ્વિટ કર્યું કે, રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ. તમને સારું સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય મળે. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન (તામિલનાડુ), અરવિંદ કેજરીવાલ (દિલ્હી), હેમંત સોરેન (ઝારખંડ), કોનરાડ સંગમા (મેઘાલય), અમરિંદર સિંહ (પંજાબ), અશોક ગેહલોત (રાજસ્થાન) અને ભુપેશ બઘેલ (છત્તીસગઢ) અને શિવરાજસિંહ ચૌહાણે (મધ્ય પ્રદેશ) ટ્વિટર પર રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટર પર કેટલીક શુભેચ્છાઓ અંગે પ્રત્યુતર આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ભલે તેમના જન્મદિનની ઉજવણી કરી ન હતી પરંતુ, સ્થાનિક કક્ષાના નેતાઓએ તેમની રીતે જ તેમના જન્મદિનની ઉજવણી કરીને તેમને શુભકામનાઓ પાઠવી હતી. કેટલાક ઠેકાણે કોંગ્રેસના કાર્યકરોએ ગરીબોને અનાજની કિટ વહેંચી હતી. તો કેટલાક ઠેકાણે કોંગ્રેસના કાર્યકરો હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ત્યાં જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રુટનું વિતરણ કર્યું હતું તો કેટલાંક સ્થળોએ કોંગ્રેસના કાર્યકરો માસ્ક વિતરણ કરતાં પણ નજરે પડ્યાં હતા.
