દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે પણ વેક્સિનેશનની સમસ્યા ચિંતાનો વિષય બનેલી છે. સંખ્યાબંધ રાજ્યોમાં વેક્સિનના અભાવે રસી મૂકવાની કામગીરી ધીમી પડી ચુકી છે. આવામાં વેક્સિનને લઈને રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. રાહુલ ગાંધીએ પોતાના એક ટ્વિટમાં લોકોને મફત વેક્સિન માટે અવાજ ઉઠાવવાની અપીલ કરીને કહ્યુ છે કે, કોરોના સામે વેક્સિન જ સૌથી મોટુ સુરક્ષા કવચ છે. દેશના દરેક લોકોને મફત વેક્સિન મળે તે માટે અવાજ ઉઠાવવાની જરુર છે. કેન્દ્ર સરકારને જગાડવાની પણ જરુર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ વચ્ચે કોંગ્રેસ દ્વારા મોદી સરકારને સતત ઘેરવામાં આવી રહી છે અને તેમાં પણ રાહુલ ગાંધી વેક્સિન અંગે કેન્દ્ર સરકાર સામે અવાર નવાર સવાલો કરી ચૂક્યા છે. પ્રિયંકા ગાંધી પણ પાછળ નથી. વેક્સિનના મુદ્દે પ્રિયંકા ગાંધીએ પણ સરકારને સવાલોના ઘેરામાં ઉભી કરી છે. સોમવારે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારની ઝીરો વેક્સિન પોલિસી ભારત માતાની છાતીમાં ખંજર મારવા બરાબર છે. વેક્સિનેશન અભિયાનની વાત કરવામાં આવે તો ભારતમાં અત્યાર સુધીમાં 21.85 કરોડ લોકોને કોરોનાની વેક્સિન મુકાઈ ચુકી છે. છેલ્લા 24 કલાકમાં 23 લાખ ઉપરાંત લોકોને વેક્સિન આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 17.34 કરોડ લોકોને પહેલો ડોઝ અને 4.51 કરોડ લોકોને બે ડોઝ અપાઈ ચૂક્યા છે.
