વાવોઝોડા યાસના ખતરા વચ્ચે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બેઠક બોલાવી હતી, જેમાં મંત્રી અનેઅધિકારીઓ જોડાયા હતા. આ બેઠકમાં પીએમ મોદીએ અધિકારીઓને તટીય પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને સમયસર ખસેડવા જણાવ્યું હતું. બેઠકમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, અંડમાન-નિકોબાર અને પુડુચેરીના ચીફ સેક્રેટરી અને અધિકારીઓ સામેલ થયા હતા. આમાં રેલવે બોર્ડ ચેરમેન, એનડીએમએના સચિવ, આઇડીએફ ચીફ સાથે ગૃહ, પાવર, શિપિંગ, ટેલિકોમ, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ, સિવિલ એવિએશન અને ફિશરીઝ વિભાગના સચિવ, કોસ્ટ ગાર્ડ, એનડીઆરએફ અને આઇએમડીના ડીજી પણ સામેલ થયા હતા. પીએમઓએ જાણકારી આપી કે, એનડીઆરએફની ૪૬ ટીમોને પહેલાંથી જ તૈનાત કરવામાં આવી છે. ચક્રવાત યાસોનો સામનો કરવા માટે આજે ૧૩ ટીમો એરલિફ્ટ કરાઇ રહી છે. સાથે જ વડાપ્રધાન કાર્યાલયે ચક્રવાત યાસ પૂર્વેની તૈયારીઓ અંગે કહ્યું કે, ભારતીય તટરક્ષક દળ, નોસેનાએ રાહત, શોધખોળ અને બચાવ કાર્યો માટે જહાજો, હેલિકોપ્ટર્સને તૈનાત કર્યા છે. પીએમ મોદીએ અધિકારીઓને વિજળી, ટેલિફોન નેટવર્ક કપાવવાનો સમય ઓછામાં ઓછો કરવા કહ્યું છે. હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત યાસ ૨૬ મે સાંજ સુધી પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયા કિનારાને પાર કરવાની સંભાવના છે. જે દરમિયાન હવાની ગતિ ૧૫૫-૧૬૫ કિમી પ્રતિ કલાકથી લઇને ૧૮૫ કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે. સાથે જ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
