યુરોપ જ્યારે કોરોનાવાયરસના ત્રીજા મોજા સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ઇટાલીમાં આજથી ત્રણ દિવસનું કડક લૉકડાઉન શરૂ થયું છે જ્યારે ફ્રાન્સમાં ચાર સપ્તાહનું રાષ્ટ્રીય શટડાઉન શરૂ થયું છે. ઇટાલીમાં કોવિડના નવા ૨૦૦૦૦ કેસો નોંધાયા છે જ્યારે ફ્રાન્સમાં પણ ગુડ ફ્રાઇડેના દિવસે ૪૬૦૦૦ નવા કેસો નોંધાયા હતા. આખા ઇટાલીને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે અને ત્યાં ત્રણ દિવસના કડક દેશવ્યાપી લોકડાઉનની આજથી શરૂઆત કરવામાં આવી છે. ફ્રાન્સમાં ચાર સપ્તાહનું લૉકડાઉન શરૂ કરાયું છે જેની જાહેરાત ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને બુધવારે રાત્રે રાષ્ટ્રજોગ સંબોધનમાં કરી હતી. આ બંને દેશોમાં કોવિડના કેસોમાં નાટ્યાત્મક રીતે ઉછાળો આવ્યો છે. અને બંને દેશો આ વધતા કેસોને રોકવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ફ્રાન્સમાં આ ત્રીજું રાષ્ટ્રીય લૉકડાઉન છે. ફ્રાન્સમાં પેરિસ જેવા હોટસ્પોટોમાં તો છેલ્લા બે સપ્તાહથી મર્યાદિત લૉકડાઉન હતું જ, હવે વિસ્તૃત લૉકડાઉન આવશે. અહીં નર્સરીઓ, શાળાઓ, કોલેજો અને હાઇ સ્કૂલો ત્રણ સપ્તાહ સુધી બંધ જાહેર કરવામાં આવી છે. ઇટાલીમાં ભારે વસ્તીવાળા લોમ્બાર્ડી વિસ્તારમાં કોરોનાવાયરસના જેટલા કેસો થયા છે તેમાંથી પ૦ ટકા જેટલા કેસોમાં યુકે વેરિઅન્ટ જોવા મળ્યો છે. જ્યારે નવા કેસો વધી રહ્યા છે ત્યારે ડોકટરો એવી અપેક્ષા રાખે છે કે બે સપ્તાહમાં તેની પિક આવશે.
