દેશમાં કોરોનાના કારણે સતત પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1 લાખ 44 હજાર 829 કેસ નોંધાયા છે. ગયા વર્ષે વાયરસનું સંક્રમણ શરૂ થયા પછીથી અત્યારસુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા આ દર્દીની સંખ્યા સૌથી વધુ છે. આ પહેલાં ગુરુવારે 1.31 લાખ કેસ નોંધાયા હતા. એક્ટિવ કેસ એટલે કે જે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે તેમની સંખ્યા પણ ખૂબ વધી છે. શુક્રવારે દેશભરમાં 77 હજાર 199 લોકો સાજા થયા હતા, જ્યારે 773 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. એવી રીતે એક્ટિવ કેસમાં 66 હજાર 760નો વધારો થયો છે. દેશમાં હવે 10 લાખ 40 હજાર 993 દર્દી સારવાર લઈ રહ્યા છે. આ આંકડો કોરોનાના પાછલા તબક્કાની પીક કરતાં ઘણા વધારે પહોંચ્યો છે. ગત વર્ષે 17 સપ્ટેમ્બર સંક્રમણનો પીક દિવસ હતો. આ દિવસે દેશમાં સૌથી વધુ 10.17 લાખ એક્ટિવ કેસ હતા. ત્યાર બાદ આ આંકડા ઘટવા લાગ્યા હતા, પરંતુ હવે ફરીથી પરિસ્થિતિ ભયજનક બની રહી છે.
