10મીથી 24મી સુધી તામિલનાડુ સંપૂર્ણ લૉકડાઉન

તામિલનાડુમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સરકારે આજે જાહેરાત કરી કે 10મીમેથી 14 દિવસ સંપૂર્ણ લૉકડાઉન રહેશે. મુખ્ય મંત્રી સ્ટાલિને એક નિવેદનમાં જણાવ્યું કે અનિવાર્ય સંજોગોના કારણે લૉકડાઉન અમલી કરાઇ રહ્યું છે. શુક્રવારે જિલ્લા કલેક્ટરો સાથેની સમીક્ષા મીટિંગમાં મળેલા ઇનપુટ્સના આધારે આ નિર્ણય લેવાયો છે. તેમણે બાદમાં ટ્વિટર પર જણાવ્યું કે દૈનિક કેસો 25000ને પાર થયા છે અને આગામી બે સપ્તાહોમાં ઓર વધવાની વકી છે એને લીધે 10મીમેના સવારે 4 વાગ્યાથી 24 મે સવારે 4 સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે. આ અગાઉ તેમણે શનિ-રવિ દુકાનોને રાત્રે 9 સુધી ચાલુ રાખવાની છૂટ આપી હતી જેથી લોકો ખરીદી કરી શકે, કેમ કે સોમવારથી ફૂલ લૉકડાઉન લાગુ થવાનું છે. આ ગાળા દરમ્યાન સરકારી શરાબની દુકાનો, તમામ બાર્સ, સ્પા, જિમ, બ્યુટી પાર્લર્સ, સલૂન, ઑડિટોરિયમ, સિનેમા થિયેટર્સ બંધ રહેશે. બીચ અને હિલ સ્ટેશનોના કેન્દ્રો પણ બંધ રહેશે. તમામ ખાનગી કચેરીઓ, આઇટી ઑફિસો પણ બંધ રહેશે. શાક, ગ્રોસરી વગેરે આવશ્યક દુકાનો બપોરના 12 સુધી ચાલુ રહેશે. ઈ કૉમર્સ પણ 12 સુધી જ કામ કરી શકશે. આ સિવાય કોઇ દુકાનો ચાલુ રહી શકશે નહીં. હૉટેલ્સ અને ટી શૉપ્સ પાર્સલ સેવા આપી શકશે. અમ્મા કેન્ટીનો ચાલુ રહેશે. સ્ટાલિને કહ્યું કે રાજ્યના 23 જિલ્લાઓમાં પૉઝિટિવી રેટ 10% છે. પડોશી કેરળ અને કર્ણાટકમાં પહેલેથી લૉકડાઉન લાદી દેવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *