સીબીઆઇ કાર્યાલય બહાર ટીએમસી કાર્યકરોના દેખાવ

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એક વખત ઉથલ-પાથલ સર્જાઈ છે. સીબીઆઈએ ટીએમસીના 2 મંત્રી સહિત 4 નેતાઓની ધરપકડ કરી ત્યાર બાદ રાજકીય ભૂકંપ વ્યાપ્યો છે. ટીએમસીના નેતાઓની ધરપકડ બાદ સીબીઆઈના કાર્યાલયની બહાર ટીએમસીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સીબીઆઈના કાર્યાલય બહાર ટીએમસીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન રોકવા માટે પોલીસે લાઠીચાર્જનો સહારો લેવો પડ્યો હતો. જાણવા મળ્યા મુજબ ટીએમસીના પ્રદર્શનકારીઓ દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ લાંબા સમયથી કાર્યાલયમાં ઉપસ્થિત છે.
તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ ઝંડા લહેરાવીને તથા સીબીઆઈ અને કેન્દ્રની ભાજપ સરકાર વિરૂદ્ધ નારા બોલાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. નિઝામ પેલેસ ખાતે કેન્દ્ર સરકારના કાર્યાલય પરિસરમાં આવેલી સીબીઆઈ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં સીઆરપીએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને પરિસરમાં બેરિકેડ્સ પણ લગાવવામાં આવ્યા છે. કોલકાતા પોલીસના જવાનો પણ મોટી સંખ્યામાં પહેરો ભરી રહ્યા છે. સીબીઆઈએ સોમવારે તૃણમૂલ કોંગ્રેસના નેતા ફરહાદ હકીમ, સુબ્રત મુખર્જી અને મદન મિત્રા ઉપરાંત પાર્ટીના પૂર્વ નેતા શોભન ચેટર્જીની નારદા સ્ટિંગ કેસમાં કોલકાતા ખાતે ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *