વાવાઝોડામાં નુકસાન પામેલા પાકા મકાનોને 95હજારની સહાય

રાજયમાં ગત તા.૧૭ અને ૧૮મી મેના રોજ ત્રાટકેલા તાઉતે વાવાઝોડની અસર હેઠળ તૂટી ગયેલા પાકા મકાનો માટે ૯૫,૧૦૦ – છાપરા- નળિયા ઉડી ગયા હોય તો ૨૫૦૦૦ અને ઝૂંપડાના પુન: નિર્માણ માટે ૧૦ હજારની સહાય રાજય સરકારે જાહેર કરી છે. આજે રાત્રે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્છથાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. તાઉતે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને આવા મકાનોને થયેલા નુકસાન અંગે નુકસાન સહાયના ધોરણો સરકારે જાહર કર્યા છે. તાઉતે વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાઉતે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. તાઉતે વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂ. ૯૫,૧૦૦ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. અંશત: નુકસાન પામેલા કાચા- પાકા મકાનો એટલે કે છાપરા- નળિયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે રૂ. ૨૫,૦૦૦ની સહાય અપાશે. આ વાવાઝોડાને પરિણામે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તે ઝૂંપડાઓ માટે રૂ. ૧૦,૦૦૦ની સહાય તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ- વાડાને થયેલા નુકસાન માટે રૂ. ૫,૦૦૦ની સહાય રાજ્ય સરકાર આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *