પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે તાજેતરમાં સુરતમાં 5000 રેમડેસિવિર ઈન્જેકશન કોરોનાના દર્દીઓના સંબંધીઓને વહેંચ્યા હતા. જેની સામે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરીને પાટીલ સામે પગલા ભરવાની દાદ માંગી હતી.આજે ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેન્ચે રીટની પ્રાથમિક સુનાવણી બાદ સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, ચીફ સેક્રેટરી, આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, કલેકટર સુરત અને પોલીસ કમિશનર સુરત અને ડ્રગ ઈન્સ્પેકટર સામે કારણદર્શક નોટિસ કાઢી વધુ સુનાવણી 5મી મે સુનાવણીના રોજ રાખી છે.પરેશ ધાનાણી તરફથી એડવોકેટ આનંદ યાજ્ઞિકે એવી રજૂઆત કરી હતી કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને હર્ષ સંઘવી પાસે 5000 રેમડેસિવિર ઈન્જેકશન કેવી રીતે આવ્યા ? તેની તપાસ થવી જોઈએ. આ સમગ્ર ઘટના અંગે ડ્રગ્સ કમિશ્નર દ્વારા તપાસ હાથ ધરીને તેનો રિપોર્ટ હાઈકોર્ટને સોંપવો જોઈએ. પાટીલ સામે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એકટ, ફાર્મસી એકટ, ડ્રગ્સ કંટ્રોલ એકટ અન્વયે પગલા લેવા જોઈએ. જસ્ટિસ સોનીયા ગોકાણી અને જસ્ટિસ વૈભવ નાણાવટીની ડિવીઝન બેન્ચે એક તબક્કે એવી પૃચ્છા કરી હતી કે સી આર પાટીલ સામે થયેલી ફરિયાદના મામલે શું પગલા લેવાયા ? તેના સંદર્ભમાં વિગતો રજૂ કરવી , જેથી કરીને કોર્ટ આગામી સુનાવણી વખતે યોગ્ય નિર્ણય લઈ શકે.
