રાજય સરકારે 36 શહેરોમાં મિનિ લોકડાઉનના નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપી છે. જેના પગલે હવે 4થી જૂનથી તમામ દુકાનો, વાણિજયક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેકસ, માર્કેટીંગ યાર્ડ, હેર કટિંગ સલુન, બ્યૂટી પાર્લર તેમજ વ્યાપારિક ગતિવિધિ સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજયમાં તમામ આવશ્યક સેવાઓ પણ ચાલુ રહેશે. સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. જયારે ગુજરી બજાર, હાટ, શૈક્ષણિક સંસ્થા, કોચિંગ સેન્ટરો (ઓનલાઈ શિક્ષણ સિવાય) સિનેમા ઘરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજન સ્થળો અને સ્વિમિંગ પુલ બંધ રહેશે. લગ્ન માટે ઓનલાઈન DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે. જયારે 50 વ્યકિત્ત જ હાજરી આપી શકશે .અંતિમ ક્રિયા – દફન વિધી માટે 20 વ્યકિત્તઓને મંજૂરી રહેશે. સરકારી, અર્ધ સરકારી, બોર્ડ નિગમોમાં, ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફે જ હાજરી આપવાની રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક શૈક્ષણિક કાર્યક્રમો, મેળાવડાઓ સદંતર બંધ રાખવાના રહેશે. ધાર્મિક સ્થાનો પર દૈનિક પૂજા વિધી પૂજારીએ જ કરવાની રહેશે. પ્રેક્ષકો વગર સ્પોર્ટસ કોમ્પલેકસ – સ્ટેડિયમ ચાલુ રાખી શકાશે. એસટી બસો 50 ટકા ક્ષમતાએ ચાલુ રહેશે. કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી ટેક અવે અને હોમ ડિલીવરની સેવા પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેની મુદત પણ વધુ એક સપ્તાહ લંબાવવામાં આવી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો રહેશે.
