મ્યૂકોમાયરોસિસની સારવાર માટે છ મહાનગરોમાં વોર્ડ શરૂ કરાશે

કોરોના પછી દર્દીઓમાં મ્યુકોમાયરોસીસના વધી રહેલા વ્યાપ અંગે પણ રાજય સરકારે સર્વગ્રાહીધરીને સુરત સહિત છ શહેરોમાં સીવીલ હોસ્પિટલમાં સ્પે વોર્ડ શરૂ કરવા આરોગ્ય વિભાગને તાકિદ કરી છે. રાજયમાં અત્યાર સુધીમાં મ્યુકોમાયરોસીસના ૧૦૦ કેસ નોંધાયા છે. મ્યુકોમાયરોસીસની સારવાર માટે ૩ કરોડ ૧૨ લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના ૫૦૦૦ ઇન્જેકશન ખરીદવા પણ ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને શનિવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને મ્યુકોમાયરોસીસના રોગના નિયંત્રણ અને સારવાર માટે સંપૂર્ણ તકેદારી અને સજજતાથી સારવાર વ્યવસ્થાઓ તાકીદે ઊભી કરવા બેઠકમાં સૂચનાઓ આપી હતી. રાજ્યમાં વધતા જતા મ્યુકોમાયરોસીસ રોગના નિયંત્રણ તેમજ આ રોગથી સંક્રમિત થનારા દર્દીઓની સારવાર માટે રૂપાણીએ આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. આ નિર્ણયો અનુસાર મ્યુકોમાયરોસીસ રોગ વધુ ફેલાતો અટકાવવા અને જેમને આ રોગ ની અસર થઈ છે તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ કરે છે. રાજ્ય સરકારે બધી સિવીલ હોસ્પીટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા મ્યુકોમાયરોસિસ ની સારવાર માટે રૂ. ૩ કરોડ ૧૨ લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના ૫૦૦૦ ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *