ભારતમાં સી પ્લેન સેવા શરૂ કરવા માટે મહત્વપૂર્ણ એમઓયુ

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે દેશમાં હાલ 28 સી પ્લેન રૂટ્સ અને 14 વૉટર એરોડ્રોમ્સ રૂ. 450 કરોડના ખર્ચે વિકાસના તબક્કે છે. આ વૉટર એરોડ્રોમ્સ ગુજરાત, આસામ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, આંદામાનમાં વિક્સાવાઇ રહ્યા છે. ભારતમાં સી પ્લેન એટલે કે દરિયાઇ વિમાની સેવાના વિકાસ માટે આજે બંદરો, જહાજ અને જળ માર્ગો માટેના મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચે એક સમજૂતી પત્ર (એમઓયુ) પર સહી સિક્કા કરવામાં આવ્યા હતા. નાગરિક ઉડ્ડયન મંત્રાલય ખાતે આજે એમઓયુ પર સહી સિક્કા કરવાના સમારોહ દરમ્યાન બંદરો, જહાજ અને જળ માર્ગો માટેના રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખભાઇ માંડવિયા અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી હરદીપ સિંહ પુરી ઉપસ્થિત રહ્યા હતા.ભારત સરકારની આરસીએસ-ઉડાન યોજના હેઠળ ભારતના મુલકી કાર્યક્ષેત્રની અંદર સી પ્લેન સેવાના નોન શિડ્યુલ્ડ/ શેડ્યુલ્ડ ઓપરેશનના વિકાસની રૂપરેખા આ એમઓયુમાં છે. આ પ્રસંગે બોલતા બંદરો, જહાજ અને જળ માર્ગો માટેના રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખભાઇ માંડવિયાએ કહ્યું હતું કે આ એમઓયુ પર સહી સિક્કા એ ભારતીય દરિયાઇ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર બેઉ માટે ગૅમ ચૅન્જર બની રહેશે કેમ કે એનાથી સી પ્લેન મારફત પર્યાવરણને અનુકૂળ પરિવહનને ઉત્તેજન દ્વારા સમગ્ર દેશમાં અવિરત કનેક્ટિવિટી વધશે એટલું જ નહીં, પણ પર્યટન ઉદ્યોગને મોટો વેગ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની સાબરમતીથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી પરંતુ તેમાં કોઇ ખાસ સફળતા મળી શકી ન હતી. કેવડિયા સૌથી ઝડપી વિકસતું ટુરિસ્ટ ડેસ્ટિનેશન હોવા છતાં અહીં ગુજરાત સરકારને કોઇ ખાસ સફળતા મળી ન હતી. સૌથી મહત્વની વાત તો એ છે કે, આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે કર્યું હતું એટલા માટે પણ આ પ્રોજેક્ટનું મહત્વ ખૂબ વધી જતું હતું તેમ છતાં તેમાં કોઇ પ્રગતિ નહીં થતાં અંતે આ પ્રોજેક્ટ મોકૂફ રાખવામાં આવ્યો છે અને આ સેવા ક્યારે શરૂ થાય તેની કોઇ શક્યતા હાલમાં તો દેખાતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *