દેશમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ આસમાને પહોચ્યા છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાને પણ પાર કરી ગયા છે. પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ ભાવમાં વધારો કરી રહી છે. વધતા ભાવોનાં મારથી જનતા પરેશાન છે. આ બધાની વચ્ચે દેશના પેટ્રોલિયમ મંત્રીએ સંકેત આપ્યો છે કે ડીઝલ અને પેટ્રોલની વધતી કિંમતોથી હજી છૂટકારો મળવવાનો નથી. ગુજરાત પહોંચેલા કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને પૂછવામાં આવ્યું કે શું ડીઝલ-પેટ્રોલના ભાવમાં ઘટાડો થશે? આ પ્રશ્નના જવાબમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે સરકારની આવકમાં ઘણો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કમાણી ઓછી રહી અને 2021-22માં પણ ઓછી રહેવાની સંભાવના છે. તેમણે કહ્યું કે આવક ઓછી થઈ છે અને સરકારનો ખર્ચ વધ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે આરોગ્ય ક્ષેત્રે ખર્ચ વધ્યો છે. સરકાર કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં પણ ખર્ચ કરી રહી છે. તેમણે કહ્યું કે વધેલા ખર્ચ અને ઘટેલી આવકને ધ્યાનમાં રાખીએ તો ડીઝલ-પેટ્રોલના ભાવ ઘટાડવાનો આ યોગ્ય સમય નથી. દેશના પેટ્રોલિયમ પ્રધાને સ્પષ્ટ કહ્યું કે, ડીઝલ અને પેટ્રોલના ભાવ અત્યારે ઘટશે નહીં. તેમણે તેની કિંમતોમાં ભારે વધારો થવાનાં કારણો અંગે પણ જણાવ્યું. પેટ્રોલિયમ પ્રધાને કહ્યું કે ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં વધારા પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલો વધારો છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ 70 ડોલરની નજીક પહોંચી ગયો છે. તેથી જ ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ડીઝલ-પેટ્રોલની વધતી કિંમતો અંગે નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું હતું કે સરકારે કંઇક કરવું જોઈએ.
