પહેલી મેથી ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોનું રસીકરણ

પહેલી મેથી ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકો કોવિડ-૧૯ સામેની રસી મૂકાવવા માટે લાયક ગણાશે એમ કેન્દ્ર સરકારે જણાવ્યું છે જ્યારે તેણે તેનું રસીકરણ અભિયાન ઉદાર બનાવ્યું છે જેમાં તમામ રાજ્યો, ખાનગી હોસ્પિટલો અને ઔદ્યોગિક સંસ્થાઓ રસીઓના ડોઝ તેમના ઉત્પાદકો પાસેથી સીધા ખરીદી શકશે. આવતા મહિને શરૂ થઇ રહેલા રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ રસી ઉત્પાદકો તેમના માસિક સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી(સીડીએલ) દ્વારા છૂટા કરાયેલા ડોઝિસમાંથી પ૦ ટકા ડોઝિસ કેન્દ્ર સરકારને મોકલશે અને બાકીના પ૦ ટકા ડોઝ રાજ્ય સરકારોને પુરા પાડવા અને ખુલ્લા બજારમાં વેચવા માટે મુક્ત રહેશે. રસીઓનો જે પુરવઠો રાજ્ય સરકારો અને ખુલ્લા બજાર માટે ઉપલબ્ધ બનવાનો હશે તેના માટે ઉત્પાદકોએ તેની કિંમતોની ૧ મે, ૨૦૨૧ પહેલા આગોતરી જાહેરાત કરવાની રહેશે એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. આ કિંમતના આધારે રાજ્ય સરકારો, ખાનગી હોસ્પિટલો, ઔદ્યોગિક સંસ્થાઓ વગેરે રસીઓના ડોઝ ઉત્પાદકો પાસેથી ખરીદી શકશે. ખાનગી હોસ્પિટલોએ કોવિડ-૧૯ની રસીઓનો તેમનો પુરવઠો કેન્દ્ર સરકારની ચેનલો મારફતે રસી મેળવતી સંસ્થાઓ સિવાયની સંસ્થાઓ માટે નક્કી કરવામાં આવેલા પ૦ ટકા પુરવઠામાંથી ખરીદવાનો રહેશે. ખાનગી રસી પ્રોવાઇડરોએ તેમની રસીની તેમણે જાતે ઠરાવેલી કિંમતો પારદર્શી રીતે જાહેર કરવાની રહેશે અને આ ચેનલ વડે રસી મેળવવા માટે ૧૮ વર્ષથી ઉપરની દરેક વ્યક્તિ લાયક ગણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *