કોરોના કાળમાં ધો. 12ની પરીક્ષા તેમજ ત્યારબાદ પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ પરીક્ષા યોજવા અંગે કેન્દ્રિય મંત્રીઓ અને રાજ્યોના શિક્ષણમંત્રીઓ તેમજ અધિકારીઓ વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યોને 25 મે સુધીમાં લેખિત સુચન આપવા જણાવ્યું છે. સીબીએસઈ બોર્ડના ધો. 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ આગામી 1લી જૂને જાહેર થઈ શકે છે.કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને જણાવ્યું કે, તમામ રાજ્યો પાસેથી લેખિતમાં સુચનો મંગાવાયા છે. પ્રવર્તમાન વિકટ પરિસ્થિતિમાં પરીક્ષા યોજવા માટેની આજરોજ મળેલી હાઈ લેવલ મીટિંગ ઉપયોગી રહી છે અને આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.મને વિશ્વાસ છે કે અમે સંયુક્ત રીતે ધો. 12ની પરીક્ષા અંગેનો અંતિમ નિર્ણય વહેલી તકે લઈ શકીશું અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના મનમાં રહેલી અનિશ્ચિતતાનો અંત ટૂંકમાં આવી શકશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના શિક્ષણ મંત્રીઓ ઉપરાંત શિક્ષણ સચીવો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.ધો. 12ની પરીક્ષા અને એન્ટ્રેસ પરીક્ષા માટે યોજાયેલી ડિજીટલ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારે બે પ્રસ્તાવ રાખ્યા હતા, સીબીએસઈએ ધો.12ની પરીક્ષા માટે બે વિકલ્પો આપ્યા હતા. સીબીએસઈએ જણાવ્યું કે રાજ્યોના શિક્ષણ બોર્ડને તેમનો નિર્ણય લેવાની મંજૂરી છે.સીબીએસઈએ પ્રથમ ઓપ્શન આપ્યો કે, ધો. 12ના ફક્ત મુખ્ય વિષયોની પરીક્ષા જુદા જુદા કેન્દ્રોમાં યોજવામાં આવે. સીબીએસઈ 174 વિષયમાં પરીક્ષાનું આયોજન કરે છે જે પૈકી લગભગ 20 વિષયો મહત્વના માનવામાં આવે છે. બીજા વિકલ્પ હેઠળ પરીક્ષાના આયોજનમાં 45 દિવસ લાગશે. સીબીએસઈના ધો. 12ના વિદ્યાર્થીઓ મહત્વપૂર્ણ વિષયની પરીક્ષા પોતાની જ શાળામાં (સેલ્ફ સેન્ટર)માં આપી શકે અને પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરી 1.5 કલાકનો ગાળો કરવામાં આવે. અગાઉ સીબીએસઈએ ધો. 10ની પરીક્ષા રદ કરવાનો તેમજ ધો. 12ની પરીક્ષા માકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. દેશમાં રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સીબીએસઈ, સીઆઈએસઈના મળીને ધો. 12ના કુલ 1.5 કરોડ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થશે. છત્તસીગઢમાં 1 જૂથી 5 જૂન સુધીમાં ઓપન બુક પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે. બાકીના બોર્ડ પણ આગામી દિવસોમાં કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશો મુજબ નિર્ણય જાહેર કરી શકે છે.
