ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ક્યારે યોજાશે તે પ્રશ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘણા દિવસોથી સતાવી રહ્યો હતો, જો કે તે અંગેનાં એક સુખદ સમાચાર આવ્યા છે, આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 10 રીપીટર અને ધોરણ 12નાં વિદ્યાર્થીઓની પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન લેવામાં આવશે. ધો.12 ની પરીક્ષાના કાર્યક્રમ અનુસાર 1 જુલાઈથી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થશે, જેમાં 1 જુલાઈએ ભૌતિક વિજ્ઞાનનું પેપર હશે જ્યારે 3 જુલાઇએ રસાયણ વિજ્ઞાન, 5 જુલાઇએ જીવ વિજ્ઞાનનું પેપર, 6 જુલાઇએ ગણિતનું પેપર, 8 જુલાઇએ અંગ્રેજીનું પેપર, 10 જુલાઇએ ભાષાનાં પેપર લેવાશે. તમામ પરીક્ષા બે ભાગમાં લેવાશે.
