હાલ કોરોના મહામારીમાં લોકોને એમ્બ્યુલન્સની સમય સમયે જરૂર રહેતી હોય છે. દર્દીઓને સમયસર એમ્બ્યુલન્સ મળતી નથી ત્યારે આ એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરાતી હોવાનું સામે આવ્યું છે. લોકોની આરોગ્ય સેવા માટે ફાળવેલી દમણની સરકારી એમ્બ્યુલન્સમાં કોરોના મહામારી વચ્ચે દારૂની હેરાફેરી કરતા એક ઈસમને પારડી પોલીસે ઝડપી પાડ્યો હતો. પારડી બગવાડા ટોલનાકા ને.હા.ન. 48 પર ગુરુવારના રોજ પારડી પોલીસ ડી સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મળેલી બાતમીના આધારે દમણની સરકારી એમ્બ્યુલન્સ નં. ડી.ડી. 03 પી. 0109ને રોકી તપાસ કરતા દારૂની બોટલ મળી આવી હતી. જો કે આ એમ્બ્યુલન્સ પર સાંસદ લાલુભાઇ પટેલે સ્થાનિક વિસ્તાર વિકાસ ફંડમાંથી સરકારી હોસ્પિટલમાં ફાળવવામાં આવી હોવાનું ચિતરેલું હતું. પોલીસે 120 દારૂની બોટલ જેની કિંરૂ. 12 હજાર અને એમ્બ્યુલન્સની કી.રૂ. 7 લાખ મળી કુલ રૂ. 7.12 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યા હતા. અને આરોપી નિખિલ ઉર્ફે નીરવ ઈશ્વરભાઈ પટેલ (રહે. ઉદવાડા-ઓરવાડ)ને ઝડપી પાડ્યો હતો જ્યારે વિશાલ રાજુભાઈ પટેલ (રહે. પારડી કીકરલા, ટેકરા ફળિયા)ને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો. ઝડપાયેલા આરોપી નિખિલ પટેલે દારૂ વિશાલના ઘરે લગ્ન પ્રસંગમાં લઇ જતો હોવાનું કબુલ્યું હતું. પારડી પોલીસના ડીસ્ટાફ પ્રતિપાલ ઝાલા, અરુણ, પ્રદીપસિંહ, પ્રકાશએ કામગીરી બજાવી હતી.
