કચ્છના અતિ સંવેદનશીલ એવા દરિયાકાંઠા વિસ્તાર જખૌ પાસેથી કોસ્ટ ગાર્ડ અને એટીએસની ટીમે ઓપરેશન હાથ ધરીને આઠ પાકિસ્તાની નાગરિકોને એક બોટ સાથે ઝડપી લઇ તેમની પાસેથી 150 કરોડના હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. રાજ્ય ત્રાસવાદ વિરોધી સ્કવોર્ડ (એટીએસ)ને ચોક્કસ બાતમી મળી હતી કે પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મોટી માત્રામાં હેરોઇનનો જથ્થો ભારત -પાકિસ્તાન આઈએમબીએલ પરથી જખૌથી આશરે 40 નોટીકલ માઇલ પાકિસ્તાની બોટમાં આવવાનો છે, અને આ જથ્થો પંજાબ જવાનો છે. આ બાતમીના આધારે એટીએસની ટીમ તથા જખૌ કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન દ્વારા મોડી રાત્રે જખૌથી 40 નોટિકલ માઇલ ભારતીય જળસીમામાં પાકિસ્તાની બોટ નૂહને આંતરવામાં આવી હતી. આ બોટમાંથી આઠ પાકિસ્તાની નાગરિકો તથા તેમની પાસેથી 30 કિલો ગ્રામ હેરોઇનનો જથ્થો, અંદાજિત કિંમત રૂપિયા 150 કરોડ મળી આવ્યો હતો. આઠ પાકિસ્તાની નાગરિકો અને એક બોટ સાથે તમામને જખૌ કોસ્ટ ગાર્ડ ખાતે લાવવામાં આવ્યા હતા, અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
