કોરોના કાળમાં સમયમાં અનાથ-નિરાધાર બનેલા બાળકોની વેદના પ્રત્યે સંવેદના દર્શાવતા આવા બાળકોને આર્થિક આધાર સહિત અભ્યાસ અને ભવિષ્યની કારકિર્દી માટે સહાયરૂપ થવા રાજય સરકારે બાલ સેવા યોજનાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આજે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. રૂપાણીએ આ મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની વિસ્તૃત ભૂમિકા આપતાં જણાવ્યું કે, કોરોનાની મહામારી એ એવી પરિસ્થિતિ ઉભી કરી છે કે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોઇ એ પોતાના વ્હાલ સોયા દિકરા-દિકરીઓ ગુમાવ્યા છે તો કોઇ એ ભાઇ-બહેન-પત્નિનો સાથ ખોયો છે અને રાજ્યમાં કેટલાય બાળકો આ કોરોના સમય દરમિયાન પોતાના માતા-પિતા બંને ગુમાવવાને કારણે અનાથ અને નિરાધાર બન્યા છે. એવા બાળકો જેમણે પોતાના માતા-પિતા બંને ગુમાવ્યા છે તેવા બાળકોને આર્થિક સહાય- આધાર આપીને તેમને જીવન નિર્વાહ માટે રાજ્ય સરકારની “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”નો લાભ મળશે. બાલ સેવા યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કાર્યરત રહેશે.
