દિલ્હીથી અમેરિકા જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ચામાચીડિયું જોવા મળતાં એને ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવી પડી. એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-105એ શુક્રવારે 2ઃ20 વાગ્યે દિલ્હીથી અમેરિકાના નવાર્ક (ન્યૂજર્સી) માટે ઉડાન ભરી હતી. ટેક ઓફની લગભગ 30 મિનિટ બાદ પેસેન્જર એરિયા એટલે કે કેબિનમાં ચામાચીડિયું જોવા મળ્યું. જે બાદ પ્લેનને પાછું દિલ્હી લાવવામાં આવ્યું, જ્યાં સવારે લગભગ 3ઃ35 વાગ્યે પ્લેનનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. જે બાદ વન વિભાગની ટીમે પ્લેનમાંથી ચામાચીડિયું મરેલું મળી આવ્યું. એર ઈન્ડિયાના બોઈંગ 777-ER પ્લેન દિલ્હીથી નવાર્ક વચ્ચે ફ્લાઈટ સર્વિસ માટે ઉપયોગ કરવામાં આવે છે. એર ઈન્ડિયાના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ‘DEL-EWR AI-105 ફ્લાઈટ માટે દિલ્હી એરપોર્ટ પર લોકલ સ્ટેન્ડબાય ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. વિમાન ઊતર્યા બાદ ક્રૂએ કેબિનમાં ચામાચીડિયું હોવાની જાણકારી આપી હતી.’
