દક્ષિણ કાશ્મીર હિમાલયના અમરનાથના ગુફા મંદિરની વાર્ષિક યાત્રા માટે યાત્રાળુઓની નોંધણી કોરોનાની વર્તમાન પરિસ્થિતીના કારણે ગુરુવારે અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. એમ અધિકારીઓએ જણાવ્યું હતું. બાલતાલ અને ચંદનવાડી રૂટથી વાર્ષિક અમરનાથ યાત્રા માટે ઑફલાઇન અને ઑનલાઇન નોંધણી અનુક્રમે 1 એપ્રિલ અને 15 એપ્રિલથી શરૂ થઈ હતી. 56 દિવસની અને 3,880 મીટર ઊંચી તીર્થયાત્રા 28 જૂને પહેલગામ અને બાલતાલના જોડિયા માર્ગોથી શરૂ થશે અને 22 ઓગસ્ટે પૂર્ણ થશે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ (એસએએસબી)એ ગુરુવારે તેના ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી કે, દેશમાં ફેલાયેલ કોરોના સંક્રમની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને શ્રી અમરનાથ યાત્રા માટે નોંધણી અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિમાં સુધાર આવ્યા બાદ નોંધણી ફરીથી શરૂ કરવામાં આવશે.
