અદાર પૂનાવાલા દેશમાં સુરક્ષિત અનુભવે તેવી વ્યવસ્થા કરો : બોમ્બે હાઇકોર્ટ

કોરોનાની વેક્સિન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાને વેક્સિનની સપ્લાઈ મામલે ફાળવણીને પગલે મળતી ધમકીઓને કારણે પરિવાર સહિત લંડન પહોંચી ગયા હતા. આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવામા આવી હતી કે, વેક્સિન બનાવી દેશ સેવામાં લાગેલા અદાર પૂનાવાલાને દેશમાં સુરક્ષિત હોવાનો અનુભવ થાય તે માટે ઉદ્ધવ સરકારને તેમની સુરક્ષા વધારવાના આદેશ આપવા જોઈએ. અરજી પર સુનાવણી કરતા બોમ્બે હાઇકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે,‘અદાર પૂનાવાલા કોરોના મુક્તિ માટે વેક્સિન ઉપલબ્ધ કરાવી દેશ સેવા કરી રહ્યાં છે. જો તેમને દેશમાં અસુરક્ષિત અનુભવી રહ્યાં હોય તો ઉચ્ચ પોલીસ અધિકારી અથવા ગૃહમંત્રી તેમની સાથે વ્યક્તિગત રીતે વાત કરે અને સરકાર તેમની સુરક્ષાની ખાતરી આપે.’ બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકારને 10 જૂને આ મામલે અપડેટ આપવા માટે પણ આદેશ કર્યો છે. અદાર પૂનાવાલાને રાજ્ય સરકાર દ્વારા અગાઉ વાય-કેટેગરીની સુરક્ષા આપવામા આવી હતી. આ ઉપરાંત કેન્દ્ર તરફથી પણ સીઆરપીએફ જવાન સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં આવ્યા હતા. અદાર પૂનાવાલાને ભારત પરત ફરવા પર તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવા મુદ્દે રાજ્ય સરકાર વિચાર કરી રહી હોવાનું કોર્ટને જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોવિશીલ્ડની સપ્લાઇ પહેલા તેમના રાજ્યમાં આપવામાં આવે, એવી માગ કરતા કેટલાક વગદાર લોકો દ્વારા ધમકી આપવામાં આવી રહી છે અને પ્રેશર ઉભું કરવામાં આવી રહ્યું છે એવો આરોપ અદાર પૂનાવાલાએ ઇંગ્લેન્ડના સમાચારપત્ર ‘ધ ટાઇમ્સ’માં આપેલા ઈન્ટરવ્યુમાં લગાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *