ન્યૂજર્સીના બાપ્સ મંદિર પર એફબીઆઇના દરોડા

અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં આવેલ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ(બાપ્સ) મંદિર પર ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશને દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આ મંદિરમાંથી ૯૦ વેઠિયા મજૂરો મળી આવ્યા હોવાનો અહેવાલ ન્યૂયોર્ક ટાઇમ્સે આપ્યો છે.મળતી માહિતી પ્રમાણે ન્યૂજર્સીના રોબિન્સવિલે વિસ્તારમાં આવેલ આ બાપ્સ મંદિર પર એફબીઆઇએ મંગળવારે દરોડો પાડ્યો હતો. આ જ મંદિરમાં કામ કરવા આવેલા કેટલાક લોકોની ફરિયાદના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો અને અખબારી અહેવાલ જણાવે છે કે મંદિરમાં વેઠિયા મજૂરોની જેમ રાખવામાં આવેલા ડઝનબંધ કામદારો મળી આવ્યા હતા. આ મંદિરમાં કામ કરાવવા માટે લાવવામાં આવેલા કેટલાક લોકોએ અદાલતમાં કરેલી ફરીયાદના આધારે આ દરોડાની કામગીરી કરવામાં આવી હતી એમ ન્યુયોર્ક ટાઇમ્સનો અહેવાલ જણાવે છે. એમ જાણવા મળે છે કે નેવાર્કની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં છ કામદારોએ કાનૂની દાવો નોંધાવ્યો હતો જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમને ભારતથી અહીં કામ કરાવવા માટે લાવવામાં આવ્યા હતા પરંતુ તેમને કાયદેસરના લઘુતમ વેતન કરતા માત્ર દસ ટકા જેટલું વેતન આપવામાં આવતું હતું અને અત્યંત ખરાબ સ્થિતિમાં રાખવામાં આવતા હતા. આ કામદારોને વાડ બાંધેલા એક વિસ્તારમાં ચોકી પહેરા હેઠળ રાખવામાં આવતા હતા અને આ કામદારોમાંના મોટા ભાગના દલિતો છે એમ અહેવાલ જણાવે છે. એમ જાણવા મળે છે કે ભારતથી લઇ જવાયેલા ૨૦૦ જેટલા કામદારોમાં મુકેશ નામનો એક ૩૭ વર્ષીય કામદાર પણ હતો, જે ત્યાં એક સાથી કામદાર બિમાર પડીને મૃત્યુ પામ્યા બાદ ૨૦૧૮માં ભાગી આવ્યો હતો અને તેણે ભારતમાં સ્વામી સાવંતનો સંપર્ક કર્યો હતો. સ્વામી સાવંત એક ઇમિગ્રેશન લોયર છે અને પોતે પણ એક દલિત છે. તેમણે કામદારોને ભેગા કર્યા હતા અને કાનૂની લડત માટે એક ટીમ તૈયાર કરી હતી જેમાંથી છ કામદારોએ અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. કામદારોએ ફરિયાદ કરી છે કે તેમને કલાકના માત્ર એક ડોલરના હિસાબે પગાર અપાતો હતો જ્યારે કે ન્યૂજર્સીના કાયદા પ્રમાણે કલાકના ૧૨ ડોલર આપવાના હોય છે. બાપ્સ દ્વારા આ આક્ષેપોને નકારવામાં આવ્યા છે અને જણાવવામાં આવ્યું છે કે ઉભા કરવામાં આવેલા મુદ્દાઓ બાબતે તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *