સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ દ્વારા જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં કેટલીક છૂટછાટ આપ્યા બાદ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા કોરોના મહામારીના લીધે જે કરદાતાઓ વર્ષ 2019-20નું આવકવેરા પત્રક ભરી શક્યા નથી તેઓ ચાલુ નાણાંકીય વર્ષમાં પાછલા બે વર્ષ 2019-20 અને 2020-21નું રીટર્ન એકસાથે ભરી શકશે તેવો નિર્ણય લેવાયો છે. કોરોનાને લીધે ઉદ્યોગ-વેપારની હાલત કફોડી છે. હાલમાં દેશભરમાં કેટલાક સ્થળો પર લોકડાઉન હોવાથી ઓફિસ, વેપારી સંસ્થાઓ અને કંપનીઓ બંધ છે. ગયા વર્ષે પણ 24 માર્ચથી દેશમાં ત્રણ મહિનાનું સંપૂર્ણ લોકડાઉન લાગુ પડ્યું હતું અને ત્યાર બાદ પણ લાંબો સમય સુધી દેશ કોરોના મહામારીનો સામનો કરતું રહ્યું હતું. વેપાર-ઉદ્યોગ ઠપ્પ હતા. ત્યારે અનેક નોકરીયાત, ધંધાદારી કરદાતાઓ સમયસર આવકવેરા રિટર્ન ભરી શક્યા નહોતા. જેને લીધે દેશભરમાંથી વેપારી સંસ્થાઓ દ્વારા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટેની સમય મુદ્દતમાં વધારો કરવા માટેની માંગ કરવામા આવી હતી. આવા કરદાતાઓ માટે સરકાર દ્વારા તબક્કાવાર રીટર્ન ભરવાની મુદ્દત લંબાવવામાં આવી છે. છેલ્લે 2019-20નું રીટર્ન ભરવાની મુદ્દત લંબાવીને 31 મે 2021 કરવામાં આવી છે. દરમિયાન હવે બીજું નાણાંકીય વર્ષ 2020-21 પૂરું થયું છે અને તેનું રીટર્ન ભરવાની અંતિમ મુદ્દત 31 જુલાઈ 2021 છે. આ રીટર્નની મુદ્દતમાં હજુ સુધી કોઈ વધારો કરાયો નથી, પરંતુ કોરોના પર કાબુ નહીં મેળવી શકાય તો તેની મુદ્દત લંબાવાની શક્યતા છે. જોકે, જે કરદાતા વર્ષ 2019-20નું રીટર્ન ભરી શક્યા નથી તેઓ બે વર્ષનું રીટર્ન એકસાથે ભરી શકશે.
