ચીને સ્વશાસિત ટાપુ તાઇવાન તરફ આજે વિક્રમી ૨૮ ફાઇટર જેટ વિમાનો ઉડાડ્યા હતા એમ આ ટાપુના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ગયા વર્ષે ચીને લગભગ રોજીંદા ધોરણે વિમાનો મોકલવાનું શરૂ કર્યું તેના પછી શક્તિનું આ સૌથી મોટું પ્રદર્શન છે. તાઇવાનના હવાઇ દળે ચીનની આ હિલચાલના જવાબમાં પોતાના કોમ્બેટ એર પેટ્રોલ ફોર્સીસને તૈનાત કર્યા હતા અને ટાપુના એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોનના દક્ષિણપશ્ચિમી ભાગમાં તેની એર ડિફેન્સ સિસ્ટમ્સ વડે સ્થિતિ પર દેખરેખ રાખી હતી એમ રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ચીને જે વિમાનો મોકલ્યા તેમાં વિવિધ પ્રકારના ફાઇટર જેટોનો સમાવેશ થતો હતો જેમાં ૧૪ જે-૧૬ અને છ જે-૧૧ વિમાનો પણ હતા, આ ઉપરાંત બોમ્બર વિમાનો હતા એમ મંત્રાલયે જણાવ્યું હતું. ચીનનું આ શક્તિ પ્રદર્શન જી-૭ની બેઠક પછી આવ્યું છે જે સાત ઔદ્યોગિક રાષ્ટ્રોના જૂથ પર ચીન આક્ષેપ કરે છે કે તેઓ ચીનની આંતરિક બાબતોમાં દખલગીરી કરે છે. ચીન પોતાના રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, સુરક્ષા અને વિકાસના હિતોના રક્ષણ માટે પ્રતિબધ્ધ છે એ મુજબ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજીયાને જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૪૯ના ગૃહ યુદ્ધ દરમ્યાન તાઇવાન અને ચીન જુદા પડ્યા હતા, પરંતુ ચીન સતત આ ટાપુ પર પોતાના આધિપત્યનો દાવો કરતું આવ્યું છે. ગયા વર્ષથી તો ચીન લગભગ દરરોજ પોતાના ફાઇટર વિમાનો આ ટાપુ તરફ ઉડાડે છે. તે આને રાષ્ટ્રીય સાર્વભૌમત્વના રક્ષણ માટેની પોતાની પ્રતિબધ્ધતાનું પ્રદર્શન ગણાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન તેના જમીનના વિસ્તરણ માટે એડિચોટીનું જોર લગાડી રહ્યું છે. તેની આવી જ અવળચંડાઇના કારણે ભારત જેવા દેશો સાથે પણ તેનો વાંરવાર તણાવ ઉભો થાય છે. ચીનના કારણે જ એશિયામાં વારંવાર તણાવની સ્થિતિ ઉભી થાય છે. ભારતના ગલવાન અને અરૂણાચલ પ્રદેશમાં પણ ચીન વારંવાર ઘૂસણખોરી કરી દે છે. હવે તાઇવાન તરફ તેણે રોજિંદા લડાકું વિમાન મોકલવાની શરૂઆત કરતાં તાઇવાન પણ એલર્ટ થઇ ગયું છે. ચીન જે રીતે તાઇવાન તરફ ફાઇટર જેટ મોકલી રહ્યું છે તે જોતા તેનો મનસૂબો માત્રને માત્ર તણાવ ઉભો કરવાનો જ છે.
