વિજય રૂપાણીના પાંચ વર્ષની સફળતા માટે સીઆર પાટીલે આ વાત કહી

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકારે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે તેની સિદ્ધીઓની ઉજવણી આજથી શરૂ કરી દેવાઈ છે. ગાંધીનગરમાં યોજાયેલા સમારંભમાં રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સફળ શાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાની કોઇ ઉજવણી નહીં, પરંતુ જનસેવા કાર્યોનો સેવાયજ્ઞ આપણે આદર્યો છે.કોંગ્રેસનું નામ લીધા વિના તેમણે કહયું હતું કે વિકાસ યજ્ઞનો કોંગ્રેસનો વિરોધ ગુજરાત વિરોધી – વિકાસ વિરોધી માનસિકતા છતિ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસના અન્વયે રાજ્યમાં તા. ૧ થી ૯ ઓગસ્ટ સુધી ૧૮ હજાર જેટલા સ્થળોએ ૧૫ હજાર કરોડથી વધુના સેવાકીય કામો, યોજનાના લાભો લાખો લોકોને સામે ચાલીને સરકાર આપવાની છે. મુખ્ય મંત્રી રૂપાણીએ આ જન સેવાયજ્ઞ કાર્યક્રમો અન્વયે ‘જ્ઞાનશક્તિ દિવસ’માં શિક્ષણ સુવિધાઓના લોકાર્પણ-ખાતમુર્હૂત તેમજ સહાય વિતરણનો મહાત્મા મંદિર, ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. રૂપાણીએ કહ્યું હતું કે, કોઇપણ રાજ્ય રાષ્ટ્ર કે સમાજની પ્રગતિ, આર્થિક સામાજીક વિકાસ માટે શિક્ષણ જ આધારશીલા છે. સરકારે એટલા માટે જ શિક્ષણને પ્રથમ પ્રાથમિકતા આપીને રૂા.૩૧ હજાર કરોડ જેવું માતબર બજેટ ફાળવ્યું છે. એટલું જ નહીં, ગુજરાતને વિકાસની નવી વૈશ્વિક ઊંચાઇએ લઇ જવા વિશ્વકક્ષાનું શિક્ષણ આપવાની અમારી પ્રતિબદ્ધતા છે.

મુખ્ય મંત્રીએ રાજ્ય સરકારે શિક્ષણ સેવા યજ્ઞ સહિત યુવા રોજગારી, મહિલા સશક્તિકરણ, ખેડૂત સમૃદ્ધિ, આદિવાસી વિકાસ જેવા અનેક કાર્યક્રમોના આ જનસેવા યજ્ઞનો વિરોધ કરનારા તત્વોને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ વિકાસ યજ્ઞનો તમારો વિરોધ ગુજરાત વિરોધી – વિકાસ વિરોધી માનસિકતા છતિ કરે છે. તેમણે કહ્યું હતું કે, ” જનતા જર્નાદને તમને (કોંગ્રેસને ) પણ સેવાની તક આપેલી ત્યારે તમે કાંઇ કરી ન શકયા અને હવે પ્રજાએ જાકારો આપ્યો ત્યારે વિકાસનો વિરોધ કરવા નીકળ્યા છો”. રૂપાણીએ આવા તત્વોને સ્પષ્ટ કહ્યું હતું કે, ગુજરાતની જનતા હવે તમને ઓળખી ગઇ છે અને અમારા વિકાસ કામો, જનસુખાકારીના કાર્યક્રમોમાં તમારા વિરોધથી ભરમાવાની નથી. રૂપાણીએ શિક્ષણ વિભાગની સિદ્ધીઓ અંગે જણાવ્યું હતું કે પાછલા પાંચ વર્ષમાં શિક્ષણમાં નવી ટેકનીક, મોર્ડનાઇઝેશન પર ભાર મુકીને કવોલિટી એજ્યુકેશન તથા શાળા સ્તરેથી જ વર્લ્ડકલાસ એજ્યુકેશન સુવિધા આપી છે. રાજ્યમાં ૧૬ હજાર જેટલા વર્ગખંડો સ્માર્ટ કલાસ બન્યા છે અને બ્લેક બોર્ડ નહીં પ્રોજેકશનથી શિક્ષણ અપાય છે. ૩૦,૫૦૦થી વધુ શાળાઓમાં ઇન્ટરનેટ કનેક્ટીવીટી પણ આપી છે.

છેલ્લા પાંચ વર્ષમાં ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે તે જ શિક્ષણમાં ગુણવત્તા સુધારણાના સેવાયજ્ઞની ફલશ્રૃતિ છે. ગુજરાતમાં સેકટરલ યુનિવર્સિટીઓની પહેલ કરીને ૧૧ યુનિવર્સિટીઓમાંથી ૭૭ યુનિવર્સિટી જેવી યુવાઓને વિશ્વ સમકક્ષ જ્ઞાન આપતી યુનિવર્સિટીઓ બનાવી છે. તેમણે રાજ્યના વિદ્યાર્થીઓને આંગળીના ટેરવે વિશ્વજ્ઞાન પુરૂં પાડવા ૩ લાખ જેટલા ન.મો. ટેબ્લેટ આપવામાં આવ્યા છે તેની પણ વિગતો આપી હતી. તેમણે કહયું હતું કે યુ.પી.એ.ની સરકારોએ શિક્ષણ નીતિનું કોઇ ઘડતર કર્યું નહીં પરંતુ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ દેશનો યુવાન વિશ્વ સાથે સમકક્ષ બને તેવી નેમ સાથે નવી શિક્ષણ નીતિ બનાવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ખરેખર ભૂલ હોય, ત્યાં સરકારની ટીકા પણ જરૂરી છે, પરંતુ રાજ્ય સરકારની નિર્ણાયક કામગીરી છતાં વિરોધ કરનારાઓને ખરેખર શરમ આવવી જોઈએ.

પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલે રાજય સરકારના સુશાસનના પાચ વર્ષની કામગીરીને બિરદાવી અભિનંદન આપતા કહ્યુ કે, દેશભરમા ગુજરાત એક માત્ર રાજય છે કે જે પાચ વર્ષની કામગીરીનો હિસાબ પ્રજાને આપવા માટે સતત નવ દિવસ સુધી શૃંખલા બંધ જનહિતકારી કાર્યક્રમો યોજે છે. આ કાર્યક્રમોનુ ગ્રીનીસ વર્લ્ડબુક મા સ્થાન મળવુ જોઈએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પાટીલે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને એડવાન્સમા જન્મદિનની શુભેચ્છા પાઠવતા કહયું હતું કે, રાજયમા શિક્ષણનો વ્યાપ વધે અને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહે એ માટે રાજય સરકારે ટેકનોલોજીયુકત ઈન્ફ્રાસ્ટ્રકચર નુ નિર્માણ કર્યુ છે જે દેશના કોઈ રાજયમા નથી. તેમણે કહ્યુ કે,બાળકોને વૈશ્વિક સ્તરનુ શિક્ષણ પૂરૂ પાડવા માટે સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. રાજયના સર્વાગી વિકાસ માટે શિક્ષણની ભૂમિકા અતિ મહત્વની છે એ માટે રાજયની સરકારી શાળાઓમા જે સુવિધાઓ પૂરી પાડી છે જેના પરિણામે વાલીઓ આજે ખાનગીશાળાઓ માંથી પોતાના બાળકોને સરકારી શાળામાં શિક્ષણ આપવા પ્રેરાયા છે એ માત્રને માત્ર રાજય સરકારની પરિણામલક્ષી કામગીરીને પરિણામે શકય બન્યુ છે. ‘પાંચ વર્ષ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના”ની થીમના આધારે ”જ્ઞાન શક્તિ દિવસ” અંતર્ગત આજે ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં કુલ ૧૫૧ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. ૧૩૫ કરોડના ખર્ચે ૩૬૫૯ શાળાઓના તૈયાર થયેલા ૧૨ હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રૂ. ૯૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૦૫૦ શાળાના ઓરડાઓ, રૂ. ૧૦.૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૭૧ પંચાયત ઘર, રૂ. ૪.૮૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ધોળકા અને નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જયારે રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્મિત ૨૫૬ માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યો હતો. શોધ યોજના અંતર્ગત ૧૦૦૦ પીએચ.ડી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ૨૦૦૮ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય વિતરણ તેમજ નમો ઈ-ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી હેઠળ રાજ્યની ૧૬ કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે એમઓયુ કરવામાં આવ્યો. એટલું જ નહિ, રૂ. ૫૮ કરોડના ખર્ચે રાજ્યમાં વિવિધ ૬૪૭ શાળાના ઓરડાઓ, રૂ. ૨૦૭૬ કરોડના ખર્ચે ૧૪૪ પંચાયત ઘર નિર્માણ માટે પણ ખાતમુહર્ત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *