અમેરિકાએ ભારતને મોકલેલી રેમડેસિવિરની 1,25,000 શીશીઓ સોમવારે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. આ કારણે રેમડેસિવિરની તંગીનો સામનો કરવામાં થોડી મદદ મળશે. આ તરફ કોરોના વાયરસના સંકટ વચ્ચે ઓક્સિજન પૂરો પાડવા ભારતીય વાયુસેનાએ પોતાની તમામ શક્તિ કામે લગાડી છે.આ તરફ ભારતીય વાયુસેનાના સી-17 એરક્રાફ્ટે 4 ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર જર્મનીથી એરલિફ્ટ કરીને હિંડન એરબેઝ પર પહોંચાડ્યા હતા. તે સિવાય 450 ઓક્સિજન સિલિન્ડર પણ બ્રિટનથી એરલિફ્ટ કરીને ચેન્નાઈ એરબેઝ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાએ આ અંગેની જાણકારી આપી હતી. કોરોના સંકટ વચ્ચે ભારતીય નૌસેનાના જહાજોને પણ વિદેશથી ઓક્સિજન ટેન્કર લાવવા સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવ્યા છે. ગલ્ફ અને સાઉથ ઈસ્ટ એશિયન દેશોના ભારે ક્ષમતાવાળા જહાજોને આવા અભિયાન માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. આગામી 4 મેના રોજ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વર્ચ્યુઅલ સમિટ યોજાવાની છે. આ સમિટ પહેલા બ્રિટને ભારતને વધુ 1,000 વેન્ટિલેટર મોકલવાનો નિર્ણય લીધો છે.
