સુરતમાં ગણેશોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને જુદી જુદી ગલી મહોલ્લાના મંડળો તેમજ સોસાયટી અને એપાર્ટમેન્ટના ગ્રુપ તો ગણેશ ચતુર્થીના છ મહિના પહેલાં જ તેની તૈયારી શરૂ કરી દેતાં હોય છે પરંતુ ગયા વર્ષે કોરોનાના કારણે સાર્વજનિક ગણેશોત્સવ શક્ય બન્યો ન હતો તેમજ કોઇને પણ મંડપ બાંધવાની પરવાનગી આપવામાં આવી ન હતી. લોકોએ તેમની આસ્થાના પ્રતિક સમાન ગણેશજીની પ્રતિમાની ઘરમાં જ સ્થાપના કરી હતી અને 10-10 દિવસ સુધી શ્રીજીની આસ્થાપૂર્વક પૂજા કરી ભારે હૈયે વિદાય કર્યા હતા. હવે આ વર્ષે પણ કોરોનાની સ્થિતિ છે અને ત્રીજી લહેર આવે તેની પૂરેપૂરી શક્યતા હોવાથી સાર્વજનિક ઉત્સવને પરવાનગી મળે છે કે કેમ તેના પર સવાલ છે. સુરત, નવસારી, બીલીમોરા, અમલસાડ, ખેરગામ, ચીખલી, વાંસદા, બારડોલી, માંડવી, ધરમપુર, પારડી, વલસાડ, ઉમરગામ અને સોનગઢ વ્યારાના ગણેશભક્તો તેમના પ્રિય ઉત્સવને પરવાનગી મળે તેવી માગ કરી રહ્યાં છે પરંતુ તંત્ર સમક્ષ હજી કોઇ નક્કર રજૂઆત કરવામાં આવી નથી. જેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ગણેશ મંડળો અને ગણેશભક્તો અવઢવ અનુભવી રહ્યાં છે.
જો કે, આ પરિસ્થિતિ વચ્ચે શ્રીજીની પ્રતિમાઓનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરતના સોનીફળિયા વિસ્તારમાં ઘરમાં સ્થાપી શકાય તેવી શ્રીજીની જુદી જુદી પ્રતિમાઓ વેચાણ અર્થે આવી ગઇ છે જ્યારે અન્ય કલાકારો પણ જુદી જુદી થીમ પ્રમાણે મૂર્તિઓ તૈયાર કરી રહ્યાં છે. ત્યારે અડાજણ વિસ્તારના એક મૂર્તિકારે ઓનલાઇન એજ્યુકેશન લેતા હોય તેવા ગણપતિની મૂર્તિ તૈયાર કરી છે. આજ મૂર્તિકાર દ્વારા કોરોનાની વેક્સિનનું મહત્વ સમજાવતા ગણપતિની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. સાર્વજનિક ગણેશોત્સવને સરકાર મંજૂરી આપે કે નહીં આપે પરંતુ ગણેશભક્તો ઘરમાં તો શ્રીજીની મૂર્તિની સ્થાપના કરશે જ. કોઇ દોઢ દિવસ તો કોઇ ત્રણ દિવસના ગણપતિની સ્થાપના કરશે જ્યારે મૂળ મહારાષ્ટ્રીયન પરંપરા મુજબ પાંચ દિવસ માટે ગૌરી અને ગણેશની સ્થાપના કરશે અને શ્રદ્ધાપૂર્વક તેની પૂજા અર્ચના કરશે. સુરતની વાત કરીએ તો સુરતમાં મહારાષ્ટ્રના દહાણું અને પનવેલ નજીકના પેણ ખાતે તૈયાર થયેલી મૂર્તિઓ વેચાણ માટે આવતી હોય છે. આ મૂર્તિઓ શહેરમાં આવી ગઇ છે. તો કેટલાંક ગણેશ મંડળો સાર્વજનિક ગણેશોત્સવને સરકાર મંજૂરી આપે તેવી પ્રબળ માંગણી કરી રહ્યાં છે.
કેટલાંક ભક્તો એવું પણ માની રહ્યાં છે કે ગણપતિ વિઘ્નહર્તા છે અને કોરોનાનું સંકટ પણ ગણપતિ જ દૂર કરશે માટે સાર્વજનિક ઉત્સવ ઉજવાવવો જ જોઇએ. જો કે, ગણેશજીની સ્થાપના કરવામાં આવે તો પણ વિસર્જનનો પ્રશ્ન ઉપસ્થિત રહેશે જ કારણ કે, કુદરતી સ્ત્રોતોમાં ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કેટલાક મંડળો તો તપેલામાં શ્રીજીનું જે વિસર્જન કરવામાં આવે છે તેનો પણ વિરોધ કરી રહ્યાં છે.