ચાર કેબિનેટ પ્રધાન અને વિવિધ કોંગ્રેસી ધારાસભ્યએ મંગળવારે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ વિરૂદ્ધ બળવો કર્યો હતો અને કહ્યું હતું કે તેમને તેમનામાં વિશ્વાસ નથી અને 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં કરેલા વચનો તેમણે પૂરા કર્યા નથી. ચાર પ્રધાનો તૃપ્ત રાજિન્દર સિંહ બાજવા, સુખબિન્દર સિંહ સરકારીયા, સુખજિન્દર સિંહ રંધાવા અને ચરણજીત સિંહ ચન્ની અને અંદાજે 2 ડઝન જેટલા ધારાસભ્યો મંગળવારે બાજવાના નિવાસ સ્થાને મળ્યા હતા. બાજવાએ કહ્યું હતું તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવા માટે સમય માગશે અને રાજ્યમાં રાજકીય સ્થિતિ અંગે તેમને માહિતી આપશે. તેમણે કહ્યું હતું કે આક્રામક પગલાં લેવાની જરૂર છે અને જો મુખ્યમંત્રીને બદલવાની જરૂર હોય તો તે પણ કરવું જોઈએ.
રાજ્યમાં થોડા મહિના બાદ ચૂંટણીઓ આવવાની છે ત્યારે આ બનાવથી પંજાબ કોંગ્રેસમાં કટોકટી વધુ ઘેરી બનશે એવી અપેક્ષા છે. બેઠક બાદ પત્રકારોને સંબોધતા ચન્નીએ કહ્યું હતું મંગળવારે વિવિધ ધારાસભ્યો અને પ્રધાનો અહીં ભેગા થયા હતા અને અધૂરા વચનો, વર્ષ 2015મા એક ધાર્મિક ગ્રંથની અપવિત્રતાના કેસમાં ન્યાય કરવામાં મોડું થવું અને માદક દ્રવ્યોના રેકેટમાં સામેલ મોટા માથાઓની ધરપકડ ન થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે બાજવા, સરકારિયા, રંધાવા અને પંજાબ કોંગ્રેસના મહાસચિવ પરગટ સિંહ પાર્ટીના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના બે સલાહકારોની કાશ્મીર અને પાકિસ્તાન જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર વિવાદીત ટીપ્પણી કરવા બદલ ટીકા થઈ રહી છે.