ન્યૂઝીલેન્ડનું વહીવટીતંત્ર ઈસ્લામિક સ્ટેટ જૂથથી પ્રભાવિત એક ઉગ્રવાદીને ચોવીસ કલાકથી શોધી રહ્યુ હતું ત્યારે તેણે ઓકલેન્ડના એક સુપરમાર્કેટમાં ચપ્પુ વડે હુમલો કરી 6 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા, આ બનાવની એક મિનિટની અંદર પોલીસે તેને ઠાર માર્યો હતો. પોલીસે જણાવ્યુ હતું કે ઈજાગ્રસ્તો પૈકી ત્રણની સ્થિતિ ગંભીર છે જ્યારે બેની સ્થિતિ સામાન્ય છે. વડા પ્રધાન જેસિન્ડા આર્ડેર્ને કહ્યુ હતું આ એક ત્રાસવાદી હુમલો હતો. તેમણે કહ્યુ હતું કે હુમલાખોર શ્રીલંકાનો નાગરિક હતો તે ઈસ્લામિક સ્ટેટ જૂથથી પ્રેરીત હતો અને દેશની સુરક્ષા સંસ્થાઓ તેને સારી રીતે ઓળખતી હતી. આર્ડેર્ને કહ્યુ હતું કે તેમણે ભૂતકાળમાં તે શખ્સ સાથે પોતે વાત કરી હતી પણ તેની અટકાયત કરવા માટે કોઈ કાયદાકીય કારણ ન હતું. ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેરો પૈકી છે ત્યાંના કાઉન્ટડાઉન સુપરમાર્કેટમાં બપોરે 2.40 વાગે આ હુમલો થયો હતો. પોલીસ કમિશ્નર એન્ડ્રુ કોસ્ટરે કહ્યુ હતું ગ્લેન એડેન પરા વિસ્તારમાં આ શખ્સ રહેતો હતો જ્યાંથી સુપરમાર્કેટ સુધી પોલીસની ટીમે તેનો પીછો કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે તેણે સ્ટોરમાંથી જ ચપ્પુ ખરીદ્યુ હતું. તે સમયે પોલીસના જવાનો સાદા પહેરવેશમાં તેના પર નજર રાખી રહ્યા હતા. કોસ્ટરે કહ્યુ હતું તે સમયે પોલીસ જવાનો તેની તરફ દોડી ગયા હતા પણ તેણે તેમના પર પણ હુમલો કર્યો હતો જેના પગલે પોલીસે તેને ગોળી મારી હતી.
