ધરપકડના એક દિવસ પછી શહેરના પરિમપોરા વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો ટોચના કમાન્ડર નદીમ અબરાર અને એક પાકિસ્તાની આતંકવાદીને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, બંનેને મંગળવારે વહેલી સવારે પોલીસ દ્વારા ઠાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની વિગતો આપતાં પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, ઘણી હત્યાઓમાં સંડોવાયેલા એલઇટીના ટોચના કમાન્ડર અબરારને સોમવારે પરિમપોરા ખાતે વાહનોની ચેકિંગ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી અને સતત પૂછપરછ હાથ ધરી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એલઈટીના કમાન્ડરે કબૂલાત કરી હતી કે તેણે તેની એકે-47 રાઇફલ મલુરા વિસ્તારમાં રાખી હતી. તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓ હાઇવે પર હુમલો કરવાના હોવાનું એક વિશેષ ઇનપુટ હતું. આ ઇનપુટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની કેટલીક સંયુક્ત ટીમને ચેકપોસ્ટ્સ અને હાઇવે પર મૂકવામાં આવી હતી.
પરિમપોરા નાકા પર એક વાહનને અટકાવવા આવ્યું હતું અને તેમને ઓળખકાર્ડ બતાવવા કહેવામાં આવ્યું હતું. ત્યારે પાછળની સીટ પર બેસેલા વ્યક્તિએ તેની થેલી ખોલવાનો પ્રયત્ન કર્યો અને એક ગ્રેનેડ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને તેને પકડ્યો હતો. પ્રવક્તાએ જણાવ્યું કે, ડ્રાઈવર અને પાછળની સીટ પર બેઠેલા વ્યક્તિ બંનેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેનું માસ્ક ઉતાર્યા પછી ઓળખ થઈ કે, તે એલઇટીનો ટોચનો કમાન્ડર અબરાર હતો. તેમણે જણાવ્યું હતું કે, અબરાર પાસેથી એક પિસ્તોલ અને કેટલાક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. ત્યાંથી અબરારને ઘરે લઈ જવામાં આવ્યો જેથી હથિયાર મળી શકે. પોલીસે ઘેરી લીધા બાદ તેના ઘરમાં પ્રવેશ કરી રહી હતી.
જ્યારે પરિસરમાં છુપાયેલા પાકિસ્તાની આતંકવાદીએ ટીમ પર ગોળીબાર કર્યો હતો. જેમાં, સીઆરપીએફના ત્રણ જવાન ઘાયલ થયા હતા. આ ગોળીબારમાં અબરાર માર્યો ગયો હતો અને ઘટના સ્થળ પરથી બે એકે-47 રાઇફલો અને દારૂગોળો મળી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રોન હુમલા બાદ ભારતની સેનાના જવાનો અને સુરક્ષા દળ ખૂબ જ સતર્ક છે અને ગમે તે સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. હવે લશ્કરે તૈયબાનો ટોચનો આતંકવાદી ઠાર મરાતા તેને મોટી સફળતા માનવામાં આવી રહી છે.