તાલિબાનોએ આજે વધુ ત્રણ પ્રાંતો કબજે કર્યા હતા અને અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલને અડીને આવેલા વિસ્તારો તરફ આગળ વધ્યા હતા જયારે એક મોટા ઉત્તરીય શહેર પર પણ બહુપાંખિયો હુમલો કર્યો હતો જેનું રક્ષણ ભૂતપૂર્વ યુદ્ધવીરો કરી રહ્યા હતા એમ અફઘાન અધિકારીઓએ જણાવ્યું હતું. અમેરિકી દળો અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણપણે પાછા ખસી જાય તેને ત્રણ સપ્તાહ કરતા ઓછો સમય બાકી છે ત્યાં સુધીમાં તો ઉગ્રપંથીઓએ મોટા ભાગનું ઉત્તરીય, પશ્ચિમી અને દક્ષિણી અફઘાનિસ્તાન કબજે કરી લીધું છે. તાલિબાનોએ આખું લોગાર પ્રાંત કબજે કરી લીધું છે અને સ્થાનિક અધિકારીઓને અટકાયતમાં લીધા છે. તેમણે પાકિસ્તાનની સરહદ નજીકના પાકટીકા પ્રાંતના પાટનગરને પણ કબજામાં લીધું છે.
અહીં આજે વહેલી સવારે લડાઇ ફાટી નીકળી હતી પણ સ્થાનિક વડીલોએ દરમ્યાનગીરી કરી હતી અને બંને પક્ષોને ખસી જવા સમજાવ્યા હતા.ત્યારબાદ ગવર્નર તથા અન્ય અધિકારીઓ શરણે થઇ ગયા હતા અને કાબૂલ તરફ જવા રવાના થઇ ગયા હતા. ઉત્તરીય શહેર મઝાર-એ-શરીફ પર તાલિબાનોએ આજે વિવિધ દિશામાંથી હુમલો કર્યો હતો અને ભારે લડાઇ ફાટી નીકળી હતી. ફરયાબ પ્રાંતના પાટનગર મયમાના પર પણ તાલીબાનોએ કબજો જમાવ્યો હતો. દરમ્યાન, અફઘાન પ્રમુખ અશરફ ગનીએ તાલિબાનોની આગેકૂચ પછી પ્રથમ વખત આજે દેશવ્યાપી ટીવી સંબોધન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે અમે કબીલાઓના નેતાઓ, રાજકીય નેતાઓ, સમાજના વિવિધ સ્તારના આગેવાનો અને આંતરરાષ્ટ્રીય મિત્રો સાથે ચર્ચાઓ શરૂ કરી છે અને તેના પરિણામો ટૂંક સમયમાં તમને જણાવવામાં આવશે.