તાલિબાને અફઘાનિસ્તાનમાં કરેલા બ્લાસ્ટમાં આઠનાં મોત

અફઘાનિસ્તાનના કાર્યકારી સંરક્ષણ મંત્રીને નિશાન બનાવતા બોમ્બ ધમાકામાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા અને 20 ઘાયલ થયા હતા. તાલિબાન બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં નાયબ મંત્રીને કોઈ નુકસાન થયું નથી. એમ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. આ વિસ્ફોટ મંગળવારે મોડી રાતે રાજધાની કાબુલના ભારે સુરક્ષાવાળા વિસ્તારમાં થયો હતો. ત્યારબાદ થયેલા ગોળીબારમાં ચાર આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. ગૃહ મંત્રાલયના પ્રવક્તા મીરવાઈસ સ્ટેનેકઝાઈએ બુધવારે જણાવ્યું હતું કે, મૃતકોની સંખ્યા વધી શકે છે.તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે બુધવારે એક નિવેદનમાં હુમલાની જવાબદારી લીધી હતી. મુજાહિદે કહ્યું કે, આ હુમલો અફઘાન રાષ્ટ્રીય દળો દ્વારા વિવિધ પ્રાંતોમાં કરવામાં આવેલા તાજેતરના હુમલાનો બદલો હતો. સ્ટેનેકઝાઈએ જણાવ્યું હતું કે, હુમલામાં કાર્યકારી સંરક્ષણ મંત્રી બિસ્મિલ્લાહ ખાન મોહમ્મદીના ગેસ્ટહાઉસને નિશાન બનાવવામાં આવ્યું હતું. પરંતુ, તેમને કોઈ ઈજા થઈ નથી. મોહમ્મદીની જમિયત-એ-ઇસ્લામી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું કે, મંત્રી તે સમયે ગેસ્ટહાઉસમાં નહોતા અને તેમના પરિવારને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાવામાં આવ્યો છે.

સ્ટેનેકઝાઈએ જણાવ્યું કે, પાંચ કલાકની લડાઈ બાદ ચારેય હુમલાખોરો ઠાર મરાયા હતા. સ્ટેનેકઝાઈએ કહ્યું કે, આ હુમલો રાજધાનીના એક વિભાગ પોશ શેરપુરમાં થયો હતો, જેને ગ્રીન ઝોન તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં ચુસ્ત સુરક્ષા અને ઘણા વરિષ્ઠ સરકારી અધિકારીઓના રહેઠાણ આવેલા છે. મંગળવારની રાતે હુમલાના કલાકો બાદ સંરક્ષણ મંત્રાલયે એક વીડિયો બહાર પાડ્યો હતો જેમાં મોહમ્મદીએ કહ્યું હતું કે, તેમના ગાર્ડ આત્મઘાતી હુમલામાં ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે, હું મારા દેશવાસીઓને ખાતરી આપું છું કે આવા હુમલાઓ મારા દેશવાસીઓ અને મારી દેશની રક્ષા કરવાની ઈચ્છા પર કોઈ અસર કરી શકશે નહીં. અધિકારીઓએ જણાવ્યું કે, આ વિસ્તારમાં સુરક્ષા કર્મચારીઓએ ઘરે ઘરે જઈને તપાસ કર્યા બાદ સેંકડો રહેવાસીઓને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *