શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ખાસ સેનેટ સભાએ આજે તા.14મી ઓગસ્ટ 2021ના રોજ ઇતિહાસ રચ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આજે મળેલી ખાસ સેનેટ સભામાં નેશનલ એજ્યુકેશન પોલિસી 2020નો અમલ કરવા માટે સ્ટેચ્યુટ 229 (બી)માં ફેરફાર કરી દેવાયા છે. યુનિ.એ કરેલા સ્ટેચ્યુટમાં ફેરફારને પગલે હવે પ્રવર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-22થી એકથી વધુ પ્રકારના વિવિધ સર્ટિફિકેટ કોર્સને ગ્રીન સિગ્નલ મળી ગયા છે. અને હવે ગ્રેજ્યુએશન કોર્સ દરમિયાન પહેલા વર્ષનું શિક્ષણ સફળતાપૂર્વક પાસ કર્યા પછી સર્ટિફિકેશન, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ગ્રેજ્યુએશન અને ચોથા વર્ષે ઓનર્સની ડિગ્રી મળશે.આવું થવાથી અધૂરો અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓને ફાયદો થશે. જેટલું ભણ્યા તેટલું પ્રમાણપત્ર મળશે. વિદેશ અભ્યાસનું આયોજન કરી રહેલા વિદ્યાર્થીઓની ક્રેડિટ ટ્રાન્સફર થશે. આમ વિદ્યાર્થીઓ માટે નેશનલ એજ્યુકેશન પોલિસી અત્યંત ઉપયોગી નીવડશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પહેલી યુનિવર્સિટી બની છે જ્યાં હવે નેશનલ એજ્યુકેશન પોલિસીનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ યુનિ.એ આ અંગે એકેડેમિક કાઉન્સિલ અને ત્યારબાદ સિન્ડિકેટ સત્તામંડળમાં પણ નેશનલ એજયુકેશન પોલિસીનો અમલ કરવા ઠરાવ પસાર કરી દીધો હતો. આજે આગળની વિધીવત કારવાઇ સાથે સેનેટમાં આ ઠરાવ પસાર કરી પ્રવર્તમાન એકેડેમિક યરથી નવી શિક્ષણ નીતિનો અમલ શરુ કરી દેવાશે.નવી શિક્ષણ નીતિના અમલવારી માટે બોલાવાયેલી ખાસ સેનેટ સભામાં સિન્ડિકેટ અને સેનેટ સભ્ય એડવોકેટ ભાવેશ રબારી તેમજ સેનેટ સભ્ય કનુ ભરવાડ વચ્ચે ગુજરાતીમાં સ્ટેચ્યુટ બનાવવા મામલે રકઝક થઇ હતી. સેનેટ સભામાં નવી એજયુકેશન પોલિસીની દરખાસ્ત બાદ ચર્ચા કરતી વખતે પ્રિ.ગીરીશ રાણાએ અંગ્રેજીમાં ડિસ્કસન છેડયું હતું. જેને પગલે તરત સેનટ સભ્ય કનુ ભરવાડે ગુજરાતીમાં બોલવા રજૂઆતો કરી હતી. આ દરમિયાન સ્ટેચ્યુટ ગુજરાતીમાં જ હોવા જોઇએ એ મામલે ભાવેશ રબારી અને કનુ ભરવાડ વચ્ચે તડાફડી થઇ હતી. બે વચ્ચેના શાબ્દિક યુદ્ધમાં સેનેટ સિન્ડિકેટ ચૂંટણીના એકડા બગડા લેવા સુધી વાત પહોંચી ગઇ હતી. જોકે સેનેટ સભામાં બે યુવા સભ્યો વચ્ચેના મતભેદો વધુ ઉગ્ર બને તે પહેલા ચેર ઉપરથી કુલપતિ ડો.ચાવડાએ બે વને ટાઢા પાડી ગુજરાતીમાં સ્ટેચ્યુટ નજીકના દિવસોમાં મળી જશે તવી ધરપત આપી મામલો શાંત પાડયો હતો.