જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક વખતથી શાંત થયેલા આતંકવાદીઓ ફરી પાછું માથું ઊંચકી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. જો કે, તેની સામે ભારતીય સેના અને સુરક્ષા દળના જવાનો પણ એટલા જ સતર્ક છે અને જમ્મુ કાશ્મીર પોલીસ સાથે મળીને તેઓ અનેક સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છે. દરમિયાન સોમવારે સવારે પણ સુરક્ષાદળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. બારામુલાના સોપોરમાં થયેલી આ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ અથડામણમાં લશ્કરે તૈયબાનો ટોચનો કમાન્ડર મુદાસિર પંડિત પણ ઠાર મરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેની સાથે સાથે પાકિસ્તાની આતંકવાદી અસરાર ઉર્ફે અબદુલ્લાનો પણ ખાતમો બોલી ગયો હતો. રાષ્ટ્રીય રાયફલ્સ અને સોપોરની સ્થાનિક પોલીસે આ મહત્વનું ઓપરેશન ગુપ્ત રીતે પાર પાડ્યું હતું જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો પણ જોડાયા હતા. આ આતંકવાદીઓ નવા આતંકવાદીઓની ભરતીનું પણ કામ કરતાં હતાં.
મુદાસિર પંડિત બે કોર્પોરેટર અને ત્રણ પોલીસ જવાનની હત્યામાં પણ સામેલ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સેનાએ શરૂ કરેલા ઓપરેશન ઓલ આઉટના કારણે આતંકવાદી ગતિવિધિઓ પર મહદઅંશે કાબૂ મેળવી લેવાયો છે પહેલા જેટલી સંખ્યામાં આતંકવાદીઓ ઠાર મરાતા હતા તે સંખ્યામાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે આતંકવાદી હુમલાઓની છૂટી છવાઇ ઘટનાઓ જ બની રહી છે. તેની પાછળનું સૌથી મોટુ કારણ એ છે કે, સેના અને સુરક્ષા દળના જવાનો ખૂબ જ સતર્કતાથી તેમનું કામ કરી રહ્યાં છે. તેમની સાથે નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી પણ ખૂબ સક્રિય છે અને ઇડી પણ તમામ આર્થિક વ્યવહારો પર નજર રાખી રહી હોવાથી આતંકવાદીઓને વિદેશથી જે ફંડ મળે છે તેમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં ગુપ્તચર સંસ્થાઓ પણ તેમના ટેકનિકલ ઉપયોગ પર નજર રાખી રહી હોવાથી આતંકવાદીઓ કોની કોની સાથે સંપર્કમાં છે તેની પણ જાણકારી સુરક્ષા દળોને આપી દેવામાં આવે છે. આ તમામ કારણસર આતંકવાદીઓ પર મહદ અંશે કાબૂ મેળવી લેવામાં સફળતા મળી છે.
